સુરતમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે અને મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે પણ કતારો લાગી રહી છે. હાલ સોશિયલ મિડીયામાં એક વિડીયો વાયરલ થઇ રહયો છે જે સુરતની વાસ્તવિક સુરતનો ચિતાર આપી રહયો છે........
સુરત શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઇ રહયું છે પણ વહીવટીતંત્ર સબ સલામતના દાવા કરી રહયું છે. કોરોના વાયરસના નવા સ્ટ્રેઇનના કારણે મૃત્યુદરમાં વધારો થયો છે. સુરતમાં કોરોનાથી મૃત્યુ પામી રહેલા લોકોની સંખ્યામાં વધારો થઇ રહયો છે. મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના દર્દીઓ પણ સુરત સિવિલમાં સારવાર લેવા પહોંચતાં સ્થિતિ વધુ દયનીય બની છે. સુરત સિવિલ હોસ્પિટલમાં દર એક મિનિટે બે કોરોના સંક્રમિત દર્દીઓ ગંભીર હાલતમાં સારવાર માટે લાવવામાં આવી રહયાં છે. કોરોનાથી મૃત્યુ પામતાં દર્દીઓની સંખ્યા વધી જતાં સ્મશાનગૃહોમાં અંતિમ સંસ્કાર માટે ડાઘુઓને કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. હાલમાં સોશિયલ મિડીયામાં એક વિડીયો દાવાનળની જેમ વાયરલ થઇ રહયો છે. જેમાં સ્મશાનગૃહમાં કતારબંધ મૃતદેહો પડયાં છે અને તેમની સાથે આવેલાં ડાઘુઓ તેમનો વારો આવવાની રાહ જોઇ રહયાં છે. વહીવટીતંત્ર કોરોનાથી થતાં મૃત્યુના આંકડા છુપાવી રહયું હોય તેમ આ વિડીયો ઉપરથી લાગી રહયું છે. કોરોના બેકાબુ બની ચુકયો છે ત્યારે દરેક નાગરિકોએ હવે વધુ સાવચેત બનવાની જરૂર છે. માસ્ક ફરજિયાત પહેરવું તથા ભીડભાડ વાળી જગ્યાઓ પર જવાનું લોકોએ ટાળવું જોઇએ.....