સુરત શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાની બીજી લહેરે કહેર વરસાવ્યો છે, ત્યારે મનપા દ્વારા અઠવા ઝોનના વિસ્તારના શોપિંગ મોલને બંધ રાખવાનો આદેશ કર્યો છે. તો સાથે જ રેમડેસિવિર ઇન્જેક્શન ખરીદવા માટે દર્દીના સગાઓ મેડિકલ સ્ટોર્સ પર કલાકો સુધી લાંબી કતારમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા. જોકે સુરતમાં વધી રહેલા કોરોનાના કેસના કારણે કેન્દ્રમાંથી એક ટીમ સુરત ખાતે સમીક્ષા કરવા માટે આવી પહોચી હતી.
સુરત શહેરમાં કોરોના વાઇરસનું સંક્રમણ વધતા મનપા દ્વારા મહત્વનો નિણર્ય લેવામાં આવ્યો છે. જેમાં શહેરના અઠવા ઝોનના વિસ્તારમાં આવેલ શોપિંગ મોલને બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. જોકે અગાઉ શની રવિ એમ 2 દિવસ મોલ બંધ રાખવાની સૂચના અપાઈ હતી. તો સાથે જ સમગ્ર શહેરમાં કોરોના પોઝિટિવ કેસ અને દર્દીઓ તથા ક્રિટિકલ કન્ડિશન જોતાં રેમડેસિવિર ઇન્જેક્શનની માંગમાં નોંધનીય વધારો થયો છે. દર્દીના સંબંધીઓ મેડિકલ સ્ટોર્સ પર કલાકો સુધી લાંબી કતારમાં ઊભા રહેવા છતાં તેઓને ઇન્જેક્શન મળતાં નથી. જોકે, બજારોમાં આ ઇન્જેક્શનની કાળા બજારી ચાલતી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના સ્થિતિને ધ્યાનમાં રાખી તમામ OPD બંધ કરવામાં આવી છે. જોકે સિવિલ હોસ્પિટલમાં માત્ર કોવિડ OPD જ ચાલુ રાખવામાં આવશે. આ મામલે સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક દ્વારા જાહેરાત કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના અધિકારીઓ પણ કબૂલે છે કે, કોવિડ-19ની બીજી લહેર અતિ ગંભીર છે. જોકે સુરતમાં વધી રહેલા કોરોનાના કેસના કારણે કેન્દ્રમાંથી એક ટીમ સુરત ખાતે સમીક્ષા કરવા માટે આવી પહોચી હતી. મનપા ખાતે જિલ્લા કલેક્ટર ધવલ પટેલ, પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. કેન્દ્રની ટીમે સુરત સિવિલ હોસ્પિટલની મુલાકત લઈ ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટની માહિતી સાથે પરિસ્થિતીનો ચિતાર મેળવ્યો હતો. જોકે જરૂરિયાત ન હોય તો ઘરની બહાર નહીં નીકળવા માટે જિલ્લા કલેક્ટરે અપીલ કરી હતી. તો સાથે જ ઇન્જેક્શન મુદ્દે પણ જિલ્લા કલેક્ટરે સ્પષ્ટતા કરતાં જણાવ્યુ હતું કે, દર્દીના સગાઓએ ઇન્જેક્શન લેવા જવાની જરૂર નથી, હોસ્પિટલ દ્વારા જ ઇન્જેક્શનની માંગણી કરવામાં આવશે.