સુરત : ટોઇંગ ક્રેનના નામે લાખો રૂપિયાની ઉચાપતનું કૌભાંડ, RTI એક્ટિવિસ્ટ અને ટ્રાફિક ડીસીપી આમને-સામને

New Update
સુરત : ટોઇંગ ક્રેનના નામે લાખો રૂપિયાની ઉચાપતનું કૌભાંડ, RTI એક્ટિવિસ્ટ અને ટ્રાફિક ડીસીપી આમને-સામને

સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો RTI એક્ટિવિસ્ટે આક્ષેપ કર્યો છે. જેના અનુસંધાને RTI એક્ટિવિસ્ટ દ્વારા પત્રકાર પરિષદ યોજી વધુ માહિતી આપવામાં આવી હતી. તો બીજી તરફ સમગ્ર મામલે સુરત ટ્રાફિક ડીસીપી પ્રશાંત સુંબેએ આરોપોને ખોટા ગણાવ્યા છે.

સુરત શહેરમાં એકબાદ એક અનેક કૌભાંડ બહાર આવી રહ્યા છે, ત્યારે વધુ એક કૌભાંડનો પર્દાફાશ કરવા શહેરના RTI એક્ટિવિસ્ટ મેદાનમાં આવ્યા છે. જેમાં RTI એક્ટિવિસ્ટ સંજય ઈઝાવાએ પત્રકાર પરિષદ યોજી સુરત ટ્રાફિક પોલીસ વિભાગ ઉપર આરોપ લગાવ્યો છે કે, લોકડાઉન દરમ્યાન ટોઇંગ ક્રેનના નામે લાખો રૂપિયાની ઉચાપત કરવામાં આવી છે. જેમાં ક્રેનનો કોન્ટ્રાક્ટ ધરાવનાર અગ્રવાલ એજન્સીને કુલ 93 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. તે સાથે જ નાયબ પોલીસ કમિશ્નર અને મદદનીશ પોલીસ કમિશ્નર સામે પણ આક્ષેપ કર્યો છે. જોકે ભ્રષ્ટાચાર આચારયો હોવાની ગંધ આવતા એન્ટી કરપશન બ્યુરોમાં RTI એક્ટિવિસ્ટ સંજય ઈઝાવાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં માર્ચમાં રૂપિયા 30 લાખ, એપ્રિલમાં રૂપિયા 15 લાખ, મેંમાં રૂપિયા 22 લાખ, જૂનમાં રૂપિયા 26 લાખ અને જુલાઈમાં રૂપિયા 27 લાખ ચૂકવવામાં આવ્યા હોવાની રજૂઆત કરાઇ છે.

જોકે RTI એક્ટિવિસ્ટ સંજય ઈઝાવા દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપોને લઈને ટ્રાફિક ડીસીપી પ્રશાંત સુંબેએ પણ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે, સુરત શહેરમાં કુલ 22 ક્રેન કાર્યરત છે. જેમાં 23 માર્ચના રોજ 22 ક્રેનમાંથી 8 ક્રેન ચલાવવા માટેનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. લોકડાઉન દરમ્યાન આઠેય ક્રેનને અલગ અલગ કામો લેવામાં આવી હતી. શહેરમાં પાર્કિંગની સમસ્યાના કારણે લોકડાઉન દરમ્યાન 37000 જેટલા વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. જોકે ડિટેન કરેલા વાહનોને લઈ જવા માટે ક્રેનનો ઉપયોગ કરવામાં આવતો હતો. એપ્રિલ મહિનામાં ક્રેનની સંખ્યા વધારવા માટે વિવિધ પોલીસ સ્ટેશનોમાંથી માંગ કરવામાં આવી હતી. જેમાં જપ્ત કરેલ વાહનો પોલીસ સ્ટેશનમાં લઈ જવા મુશ્કેલીઓ પડતી હતી. જોકે લોકડાઉન દરમ્યાન વધુ 5 ક્રેન મંગાવવામાં આવી હતી. જેના મારફતે લોકો સુધી ભોજન પહોંચાડવા માટે 4 ઝોનમાં 4 ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, ત્યારે જે ક્રેન દ્વારા કામ કરવામાં આવ્યું હતું, તે પ્રમાણે જ કોન્ટ્રાક્ટરને બિલ ચૂકવામાં આવ્યું છે.

Latest Stories