નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ જમીન ખેડાણનો મુદ્દો હવે વધુ ઉગ્ર બન્યો છે,અને આ વિવાદના ઉકેલ માટે કોંગ્રેસના નેતાઓ સાથે 12 ગામના આદિવાસી ખેડૂતોએ સુરત વન વિભાગની કચેરીમાં ઉગ્ર રજૂઆત કરી હતી.
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ હવે વધુ ઉગ્ર બન્યો છે. સાગબારાના 12થી વધુ ગામોના આદિવાસી ખેડૂતો પોતાના હકની જમીન માટે સુરત ખાતે આવેલી વન વિભાગની કચેરીએ મોરચો લઈને પહોંચ્યા હતા. આ તકે ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસના નેતા તુષાર ચૌધરી, ભરૂચના આગેવાન સંદિપ માંગરોલા અને દર્શન નાયક સહિતના નેતાઓ પણ જોડાયા હતા અને વન વિભાગના અધિકારી ધીરજ કુમારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
ખેડૂતોનો મુખ્ય આક્ષેપ છે કે વર્ષોથી જે જમીન પર તેઓ ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા, તે જમીન પર વન વિભાગ દ્વારા બળજબરીપૂર્વક રોપાની વાવણી અને પ્લાન્ટેશન કરી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં, ખેડૂતોનો આરોપ છે કે જમીનમાં ઉભેલો પાક પણ નાશ કરી દેવામાં આવ્યો છે. ખેડૂતોની એક જ માંગ છે કે વન વિભાગ પ્લાન્ટેશન હટાવી તેમને જમીન ખેડાણ કરવાની કાયદેસરની મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
સરકારની નીતિ સામે સવાલ ઉઠાવતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે ઉમરપાડાના ખેડૂતોને જમીન ખેડાણની મંજૂરી આપવામાં આવી છે,તો સાગબારાના ખેડૂતોને વંચિત રાખવામાં આવ્યા હોવાની રજૂઆત સાથે વન વિભાગ પર પક્ષપાતનો ગંભીર આક્ષેપ કર્યો હતો.
