અંકલેશ્વરમાં વિવિધ સંસ્થાની બહેનો દ્વારા જીઆઇડીસી પોલીસ મથકના પોલીસકર્મીઓને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી

રક્ષાબંધન પર્વ નિમિત્તે અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન ખાતે વિવિધ સામાજિક સંગઠનો અને સંસ્થાઓ દ્વારા પોલીસ કર્મચારીઓ સાથે રક્ષાબંધનની ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. લેડિસ એમ્પાવરમેન્ટ અંકલેશ્વર ક્વીન ક્લબ, અંકલેશ્વર નોટિફાઈ વિસ્તારના ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા તેમજ બ્રહ્માકુમારી પ્રજાપિતા ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા પોલીસ સ્ટેશન ખાતે રક્ષાબંધન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ચેતનાબેન રાજપૂત, વર્ષાબેન પટેલ તેમજ બ્રહ્માકુમારી સંસ્થાનની અનિલાદીદી અને યોગીદીદી સહિતના આગેવાનો અને બહેનોએ પોલીસ કર્મચારીઓને રાખડી બાંધી રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવી હતી.આ ઉપરાંત બચપન પ્લે સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ પોલીસ કર્મચારીઓ તેમજ GIDC પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સી.એફ. ઠાકોરને રાખડી બાંધી હતી. બાળકોએ પોલીસ કર્મચારીઓ સાથે રક્ષાબંધન પર્વની ખુશી વહેંચતા સમગ્ર વાતાવરણ લાગણીસભર બની ગયું હતું.