/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/03/24175204/maxresdefault-340.jpg)
સુરતના સરથાણા વિસ્તારમાં આણંદના કુખ્યાત યુવાનની કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. યુવાન કારમાં બેઠો હતો ત્યારે તેની પર હુમલો કરી કારમાં જ તેના રામ રમાડી દેવાયાં હતાં.
સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડ પાસે આણંદના કુખ્યાત ૩૨ વર્ષીય સિદ્ધાર્થ રાવ નામનો યુવાન કાર લઈને આવ્યો હતો. જેને કારમાં જ અજાણ્યા ઈસમો ઉપરાછાપરી ચપ્પુના ઘા ઝીકી ફરાર થઇ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જાહેરમાં બનેલી હત્યાની આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
બીજી તરફ બનાવની જાણ થતા એસીપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હુમલાખોરોનું પગેરૂ મેળવવા પોલીસે આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજ કબજે કરવામાં આવ્યા હતા. યુવકની હત્યા શા માટે કરવામાં આવી છે તે દિશામાં પોલીસ તપાસ શરુ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા સુરતમાં હત્યાના બે બનાવો બન્યાં છે. સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી ક્રાઇમ રેટમાં વધારો થયો છે. શહેરમાં સરેઆમ હત્યાઓના બનાવો જોતાં ગુનેગારોને પોલીસનો ડર રહયો ન હોય તેમ લાગી રહયું છે.