ભરૂચના જંબુસરમાં તસ્કરોએ મહાકાળી માતાજીના મંદિરને નિશાન બનાવી અંદરથી રૂપિયા એક લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તસ્કરની આ સમગ્ર કરતુત સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
ભરૂચના જંબુસરમાં મંદિરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. જંબુસરના મહાકાળી મંદિરમાં તસ્કરોએ પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે.તસ્કરોએ માતાજીને પહેરાવેલા આભૂષણો તેમજ દાનપેટીમાંથી રોકડ રકમ સહિત અંદાજે એક લાખ રૂપિયાની માલમત્તા ચોરી કરી ફરાર થઈ ગયા છે.સમગ્ર ચોરીની ઘટના મંદિર પરિસરમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. CCTV ફૂટેજમાં તસ્કરની ગતિવિધિઓ સ્પષ્ટપણે જોવા મળી રહી છે.
ચોંકાવનારી વાત એ છે કે, તસ્કરોએ માત્ર આ એક મંદિરને જ નહીં, પરંતુ એક જ મહિનામાં જંબુસર સહિત આસપાસના 8 મંદિરોને નિશાન બનાવ્યા હોવાનું સામે આવ્યું છે.ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. CCTV ફૂટેજના આધારે તસ્કરો સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.વારંવાર મંદિરોમાં થઈ રહેલી ચોરીની ઘટનાઓને પગલે શ્રદ્ધાળુઓ અને મંદિરના સંચાલકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે.
