ભરૂચ જિલ્લામાં ફરજ બજાવતા ગ્રામસેવકોએ વિવિધ પડતર માંગણીઓ ન સ્વીકારતા આંદોલનનું શસ્ત્ર ઉગામ્યુ છે.
ભરૂચ સહિત સમગ્ર ગુજરાતમાં ગ્રામસેવકોએ લાંબા સમયથી પડતર વિવિધ માંગણીઓના નિરાકરણ અને અન્ય કેડરના જોબચાર્ટ મુજબની વધારાની કામગીરી સોંપવાના વિરોધમાં આંદોલન શરૂ કર્યું છે. ગ્રામસેવકોની મુખ્ય માંગણીઓમાં અન્ય કેડરના જોબચાર્ટ મુજબની વધારાની કામગીરી ન સોંપવી, બિનજરૂરી કામગીરીનું ભારણ દૂર કરવું અને લાંબા સમયથી પડતર પ્રશ્નોનો વહેલી તકે ન્યાયિક ઉકેલ લાવવાનો સમાવેશ થાય છે. આ અંગે સરકારને લેખિત રજૂઆત કરી સાત દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. જોકે સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ સંતોષકારક નિર્ણય ન આવતા ગ્રામસેવકોમાં રોષ ફેલાયો છે.આંદોલનના ભાગરૂપે 7 સપ્ટેમ્બરે કાળી પટ્ટી ધારણ કરી કામગીરી કરવામાં આવી હતી. 10 સપ્ટેમ્બરે જિલ્લા કક્ષાએ આવેદનપત્ર આપવામાં આવશે. ત્યારબાદ 14 સપ્ટેમ્બરે સરકારી વોટ્સએપ ગ્રૂપમાંથી લેફ્ટ થવું, 21 સપ્ટેમ્બરથી ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર અને 25 સપ્ટેમ્બરે પેન ડાઉન કાર્યક્રમ યોજાશે.1 ઓક્ટોબરે સામૂહિક માસ સીએલ અને 2 ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાળની ચીમકી ગ્રામસેવક મંડળે આપી છે.
