સુરત ખાતે આરટીઈ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા વાલી મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. આ અંગે સુરત જીલ્લા શિક્ષણ અધિકારીને આવેદન પત્ર પાઠવી શિક્ષણ મંત્રીને પણ રજૂઆત કરવામાં આવી છે. ગરીબ પરિવારના બાળકો આ.ટી.ઈ. પ્રવેશથી વંચિત ન રહી જાય તે માટે વહેલીતકે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા માંગ કરી છે.
ગરીબ અને માધ્યમ વર્ગના નબળા અને વંચિત જૂથના બાળકોને બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળામાં મફત અને ફરિજિયાત ધોરણ 1માં 25 ટકા RTE મુજબ પ્રવેશ આપવામાં આવે છે. જેથી બાળક ધોરણ 1થી 8 ખાનગી શાળામાં મફત શિક્ષણ મેળવે છે. પ્રવેશ પ્રક્રિયા દર વર્ષ એપ્રિલ-મે મહિનામાં શરૂ થઈ જતી હોય છે. મે મહિનો વિતી જવા છતાં હજુ સુધી આરટીઇ પ્રવેશ પ્રક્રિયા શરૂ ન થતાં સુરત વાલી મંડળના સભ્ય ઉમેશ પંચાલ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી વતી શિક્ષણ મંત્રીને આવેદન પત્ર પાઠવી આરટીઈ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા માંગ કરી હતી.
વાલી મંડળ સભ્ય ઉમેશ પંચાલે જણાવ્યું હતું કે, વર્ષ 2021-2022ની શિક્ષણ પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. ઘણી શાળાઓ દ્વારા ઓનલાઇન અભ્યાસ શરૂઆત પણ કરી દીધી છે. પરંતુ આરટીઈ યોજના શરૂઆત હજુ પણ થઇ નથી. ગરીબ પરિવારના બાળકો જે પ્રવેશથી વંચિત રહી જાય છે, જો યોજના શરૂ નહીં થાય તો આવા પરિવાર બાળકોને પ્રવેશ 3થી 6 મહિના વિલંબથી મળે છે. જેથી અભ્યાસમાં મુશ્કેલીઓ પડે છે. તો સાથે જ કોરોના કાળના લીધે પ્રવેશ પ્રક્રિયા અટકી છે, પરંતુ આરટીઇની પ્રક્રિયા ઓનલાઇન રહેતી હોય છે. કોરોનાનું કોઈ કારણ બને એમ નથી, ત્યારે જીલ્લા શિક્ષણ અધિકારીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.