સુરત : રાંદેરમાં સૂર્યા મરાઠીના ફાઈનાન્સરની અંગત અદાવતે ચપ્પુના ઘા ઝીંકી હત્યા, CCTV ફૂટેજ આવ્યા સામે

New Update
સુરત : રાંદેરમાં સૂર્યા મરાઠીના ફાઈનાન્સરની અંગત અદાવતે ચપ્પુના ઘા ઝીંકી હત્યા, CCTV ફૂટેજ આવ્યા સામે

સુરતના પાલનપુર પાટિયા નજીક હાઉસિંગ બોર્ડ ખાતે રાત્રિના સમયે માથાભારે શખ્સ ગણાતા અને સૂર્યા મરાઠીના નજીકના ફાઈનાન્સર રાકેશ મારૂની હત્યાથી ચકચાર મચી જવા પામી છે. જેમાં જાહેર માર્ગ ચપ્પુના 20થી વધુ ઘા ઝીંકી રાકેશ મારૂની બેરહેમીપૂર્વક થયેલ હત્યાનો બનાવ CCTV કેમેરામાં કેદ થયો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, રાંદેર વિસ્તારમાં સૂર્યા મરાઠીના અંગત માણસો પૈકીના રાકેશ મારૂ પર કેટલાક હુમલાખોરોએ ગત રાત્રિના સમયે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. પાલનપુર પાટિયાના હાઉસિંગ બોર્ડમાં આવેલ ડી.આર.રાણા સ્કૂલ નજીક અંગત અદાવતે હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. રાકેશ મારૂને માર મારીને રિક્ષા નજીક પાડી દઈ ચપ્પુના ઉપરાછાપરી 20થી વધુ ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી, ત્યારે આરોપીઓ બાઈક સહિતનાં વાહનોમાં નાસી જતાં ઘટનાના દ્રશ્યો CCTVમાં કેદ થયાં છે.

જોકે હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા રાકેશ મારૂનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બાદમાં રાકેશ મારૂને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. રાકેશ મારૂની હત્યાને લઈને સમગ્ર રાંદેર વિસ્તારમાં ભારે તંગદિલી વ્યાપી ગઈ છે. દિવાળીના બે-ત્રણ દિવસ અગાઉ જ થયેલી હત્યાને લઈને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો, ત્યારે હાલ તો સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ આરંભી છે.

Latest Stories