સુરત : રેસ્ટોરન્ટના માલિકે મહેંકાવી માનવતા, દર્દીઓના સ્વજનોને આપે છે વિના મુલ્યે ભોજન

New Update
સુરત : રેસ્ટોરન્ટના માલિકે મહેંકાવી માનવતા, દર્દીઓના સ્વજનોને આપે છે વિના મુલ્યે ભોજન

સુરતમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી કોરોનાના દર્દીઓ સારવાર માટે આવી રહયાં છે. દર્દીઓના સ્વજનો ઉનાળાની કાળઝાળ ગરમીમાં ભુખ્યા- તરસ્યાં હોસ્પિટલોની બહાર બેસી રહેતાં હોય છે ત્યારે બે સેવાભાવી વ્યકતિઓ આવા સ્વજનોને ભોજનની સાથે નાસ્તાનું વિતરણ કરી રહયાં છીએ.

સુરત સહિત રાજયભરમાં કોરોનાની મહામારી ફેલાય છે. પોતાનો સંબંધી હોસ્પિટલની પથારીએ જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો હોય ત્યારે સૌથી વધુ વિકટ પરિસ્થિતિ હોસ્પિટલની બહાર તેની રાહ જોતા તેના સ્વજનોની હોય છે. તેઓ દર્દીની સેવા કરવામાં ઘણીવાર જમી પણ શકતાં નથી અને ભુખ્યા અને તરસ્યાં હોસ્પિટલની બહાર બેસી રહે છે. સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી યુનિક હોસ્પિટલમાં કોરોનાના અનેક દર્દીઓ સારવાર લઇ રહયાં છે. આ દર્દીઓના ભોજન અને નાસ્તા માટે વલખા મારતાં સ્વજનોને જોઇને સમાજસેવી કૃષ્ણ કુમાર અકબરીનું દિલ પીગળી ગયું હતું. તેમણે વિચાર્યું કે દર્દીઓના સંબંધીઓ આવી રીતે ભુખ્યા અને તરસ્યાં બેસી રહે છે તેમને મદદરૂપ થવું જોઇએ. જેથી તેમણે હોસ્પિટલ નજીક સાઉથ ઇન્ડિયનની રેસટોરન્ટ ધરાવતાં તેમના મિત્ર રાજુ પરમેશ્વરને વાત કરી હતી. બંને મિત્રોએ સ્વજનોની સેવા કરવાનો નિર્ણય કર્યો હતો.

સુરતમાં કોરોનાના કહેર વચ્ચે દર્દીઓના સ્વજનોની રઝળપાટ જોવા મળી રહી છે. લોહીથી માંડી લેબોરેટરીના રીપોર્ટ સુધી તેઓ દોડધામ કરતાં હોય છે. હોસ્પિટલમાં દાખલ તેમના પરિવારનો સભ્ય કોરોનાને મ્હાત આપી પરત ઘરે ફરે તેવી તેમની ઇચ્છા હોય છે. રાજયભરમાં બેડની અછત હોવાથી દક્ષિણ ગુજરાતના દર્દીઓનો સુરતની ખાનગી હોસ્પિટલમાં ધસારો જોવા મળી રહયો છે. નાના ગામડાઓમાંથી આવતાં દર્દીઓના સ્વજનો આ ભોજન અને નાસ્તાની સેવાથી ખુશ જણાય રહયાં છે.

એક તરફ તંત્ર જ્યારે સરકારી હોસ્પિટલોના દરવાજા દર્દીઓ અને તેમના સ્વજનો માટે બંધ કરી દે છે ત્યારે સુરત શહેરમાં આવા અનેક સેવાભાવી લોકો છે જેમણે સેવા કરવા માટે પોતાના દરવાજા ખોલ્યા છે... તો જ આવી હુંફ મળતા અનેક દર્દીઓ સુરતની જુદીજુદી હોસ્પિટલોમાંથી સાજા થઇ રહ્યા છે અને તેમના સ્વજનોની હાલાકી પણ ઓછી થઇ રહી છે. આવા સેવાભાવીઓને કનેકટ ગુજરાત પરિવાર અભિનંદન પાઠવે છે.

Latest Stories