સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલ ત્રિકમનગર સોસાયટી નજીક માર્કેટમાં શાકભાજી વિક્રેતાઓ દ્વારા મનપાના અધિકારીઓ બજારમાં બેસવાની જગ્યા સોંપવા આવતા જુના વેપારીઓએ ઉગ્ર વિવાદ કરી આખેયાખી માર્કેટને માથે લીધી હતી.
સુરત મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત ત્રિકમનગર શાકભાજી માર્કેટ બનાવવામાં આવ્યું હતું. જોકે આ શાકભાજી માર્કેટ જૂનું હતું જેને તોડી નવું શાક માર્કેટ બનાવવામાં આવ્યું છે, ત્યારે જુના અને નવા બન્ને વેપારીઓ પોતાનો વેપાર-ધંધો કરી શકે તે માટે આયોજન કરાયું છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા ડ્રો કરવામાં આવ્યો હતો. જોકે, ડ્રો કરતા જુના વેપારીઓની જગ્યા પહેલા માળે આવી હતી. જેને લઈ જુના વિક્રેતાઓએ ઉગ્ર વિરોધ નોંધવ્યો હતો. વર્ષોથી જે જગ્યા પર કામ કરે છે, તે જ જગ્યા પર જૂના વેપારીઓએ બેસવા માટે જણાવ્યુ હતું. જોકે નવા વિક્રેતાઓએ ડ્રોમાં નંબર પ્રમાણે બેસવા અંગે જણાવતા જૂના અને નવા વેપારીઓ વચ્ચે વિવાદ સર્જાયો હતો, ત્યારે હોબાળાના પગલે પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી ગયો હતો. જોકે મનપાના અધિકારીઓએ વેપારીઓને જગ્યાની ફાળવણી કર્યા વગર જ પરત ફરવું પડ્યું હતું.