સુરત : મહિલા કલાકારે પાણીમાં બનાવી શ્રીનાથજીની “રંગોળી”, આપ પણ જાણી લો રંગોળી બનાવવાની રીત

New Update
સુરત : મહિલા કલાકારે પાણીમાં બનાવી શ્રીનાથજીની “રંગોળી”, આપ પણ જાણી લો રંગોળી બનાવવાની રીત

સુરતના રંગોળી કલાકારે પાણીની નીચે શ્રીનાથજીની સુંદર રંગોળી તૈયાર કરી છે. આપ જોઈ રહ્યા છો તે કોઈ પેઇન્ટિંગ નથી પરંતુ પાણીની નીચે બનાવેલ શ્રીનાથજી ભગવાનની રંગોળી છે. દિવાળીનો તહેવાર લોકો આનંદ અને ઉલ્લાસ સાથે મનાવે છે. દર વર્ષે પરંપરા મુજબ લોકો ઘરના આંગણામાં રંગોળી અને સાથિયા બનાવે છે. રંગોળીની સજાવટ દિવાળીની સુંદરતા વધારે છે. સમય સાથે તેના રૂપ રંગ બદલાયા છે, ત્યારે સુરતના રંગોળી કલાકાર હેમંતી ચંદ્રેશ જરદોશે પાણીની નીચે શ્રીનાથજીની સુંદર રંગોળી બનાવી છે. જોકે દૂરથી તમને આ રંગોળી નહીં પણ પેઇન્ટિંગ જ લાગશે તેવી તેની વિશિષ્ટતા છે. શ્રીનાથજી બનાવ્યા પછી તેના પર સ્ટોન, ટીકી અને હીરાના આર્ટ વર્કથી શણગાર્યા બાદ પાણીમાં મૂક્યા પછી તેનો નિખાર ખૂબ જ વધી જશે. જોકે આકૃતિ પર તેલ લગાડેલું હોવાથી શણગાર પણ રંગોળી ઉપર યથાવત રહે છે.

હવે તમને જણાવીશું પાણીમાં રંગોળી બનાવવાની રીત… કાચ અને પ્લાસ્ટિક અથવા મોટી સ્ટીલની ડીશ લો. તેમાં દિવેલ અથવા કોઈપણ તેલનો સ્પ્રે કરો અને પછી જે રીતે તમે જમીન પર રંગોળી બનાવો છો તે જ રીતે તેમાં રંગોળી બનાવો. પછી એક કલાક રહેવા દો, જેથી તેલ અને કરોઠીના કલર એકબીજા સાથે ભળી જાય. ત્યારબાદ તમે લીધેલા સાધનમાં ધીમે ધીમે પાણીનો ઉમેરો કરો. બે ત્રણ દિવસ બાદ તેમાંથી પાણીને ધીરે ધીરે કાઢી નાખો, ત્યારે બરાબર સુકાઈ ગયા બાદ તેને પ્લાસ્ટીકથી કવર કરો અને કાયમ માટે તેને સાચવી રાખો. જોકે તૈયાર થયેલી પાણીમાં આ રંગોળી 4થી 5 વર્ષ સુધી જરા પણ બગડતી નથી.

Latest Stories