સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં શાકભાજી માર્કેટમાં યુવાનની જાહેરમાં હત્યા બાદ લોકોમાં રોષ ભભુકી ઉઠયો છે. રોષે ભરાયેલા લોકોએ લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલના નિવાસે ઘેરાવો કરી તેમની હાય હાય બોલાવી હતી. મોટી સંખ્યામાં લોકો ધારાસભ્યના નિવાસની બહાર એકત્ર થયાં હતાં અને કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે આક્રોશ ઠાલવ્યો હતો.
શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલા શિવકૃપાનગર નજીકના શાકભાજી માર્કેટમાં કેટલાક અજાણ્યા હુમલાખોરોએ બે યુવકો પર ચપ્પુ વડે આડેધડ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ આડેધડ ચપ્પુના ઘા મારી દેતાં દ્વારકેશનગરના રહેવાસી 30 વર્ષીય કપિલ કાલીનું મોત નીપજ્યું હતું. હુમલાની ઘટનામાં 22 વર્ષીય રવિસિંગ રાજપુતને ગંભીર ઇજાઓ પહોંચી હતી. યુવાનની હત્યા બાદ સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો અને તે જવાળામુખી બની ફાટી નીકળ્યો હતો. રવિવારના રોજ સ્થાનિક રહીશોએ મોટી સંખ્યામાં એકત્ર થઇ લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલના નિવાસે ઘેરાવો કર્યો હતો. તેમણે ધારાસભ્યની હાય હાય બોલાવતાં વાતાવરણ તંગ બની ગયું હતું. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મૃતકના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દેતા મામલો ગરમાયો છે.