પાંડેસરા જીઆઈડીસીમાં સર્જાય કરુણાંતિકા
ન્યુ પારસ ડાઈંગ મિલમાં ત્રણ શ્રમિકો મોતને ભેટ્યા
કેમિકલની ટાંકી સાફ કરતી વેળા બની ઘટના
ચાર પૈકી ત્રણ યુવકોના મોત,એક સારવાર હેઠળ
પોલીસે સમગ્ર ઘટનામાં તલસ્પર્શી તપાસ શરૂ કરી
સુરતના પાંડેસરા જીઆઇડીસી ખાતે આવેલા ન્યુ પારસ ડાઈંગ મિલમાં કેમિકલની ટાંકી સાફ કરવા ઉતરેલા ત્રણ શ્રામિકોને ગૂંગળામણ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન ત્રણેય યુવકના મોત નિપજ્યા હતા.
સુરતના પાંડેસરા ગણેશનગર વિસ્તારમાં રહેતા અંકિત કુમાર,સોનુ કુમાર પાસવાન અને સંદીપ કુમાર પાસવાન,અમરેન્દ્ર કુમાર ગુરૂવારે રાત્રે ન્યુ પારસ ડાઈંગ મિલમાં આવેલી કેમિકલની ટાંકીમાંથી ઇલેક્ટ્રિક મોટરની મદદથી પાણી બહાર કાઢવા અને ટાંકીમાં જમા થયેલો કચરો સાફ કરવા માટે શ્રમિકો ઉતર્યા હતા.આ દરમિયાન ટાંકીમાં રહેલી ગેસની પાઇપમાંથી અચાનક કેમિકલનો ગેસ લીકેજ શરૂ થતા ટાંકીની અંદર ગેસ ફેલાઈ ગયો હતો.
ગેસના લીકેજના કારણે ચારેય શ્રમિકને ગૂંગળામણ થવા લાગી હતી અને થોડા જ સમયમાં તેઓ ટાંકીની અંદર બેભાન થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં મિલના મેન્ટેનન્સ વિભાગના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને જહેમત બાદ ચારેય શ્રમિકને ટાંકીમાંથી બહાર કાઢયા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંકિત કુમાર,સોનુ કુમાર પાસવાન અને સંદીપ કુમાર પાસવાનના મોત નિપજ્યા હતા.જ્યારે અમરેન્દ્ર કુમાર હાલ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવ અંગે પાંડેસરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ચારેય મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા.અને સમગ્ર મામલે પોલીસે ગેસ લીકેજ કેવી રીતે થયો તેમજ સુરક્ષા વ્યવસ્થામાં કોઈ બેદરકારી હતી કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરી છે.