સ્મીમેર મેડિકલ કોલેજના હોસ્ટેલની ઘટના
રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યુના કારણે મોત થયું
અમદાવાદની 24 વર્ષીય ધારા ચાવડાનું મોત
ડો. ધારાનો ડેન્ગ્યુ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
ડેન્ગ્યુના કેસ ઝડપથી વધતાં તંત્રની દોડધામ
સુરત શહેરમાં પાલિકા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહેતી અને એનેસ્થેસિયાનો અભ્યાસ કરતી પ્રથમ વર્ષની રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુના કારણે મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી અનુસાર, મૂળ અમદાવાદની 24 વર્ષીય ધારા ચાવડા સુરતની સ્મીમેર હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. 3-4 દિવસથી ધારાને તાવ આવતો હતો. રવિવારે ઉલટી થતાં બાદ તબિયત વધુ લથડતા સ્મીમેરમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પરિવારને જાણ થતાં તેઓ ધારાને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તે વેન્ટિલેટર પર હતી.
આ દરમિયાન તેની યાદશક્તિ ઓછી થઈ ગઈ હતી. તેમજ ચક્કર આવતા હતા. જોકે, સારવાર દરમિયાન માત્ર 6 કલાકમાં જ તેની તબિયત એટલી બગડી ગઈ કે, તેનું મોત થઈ ગયું હતું. ડો. ધારાનો ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
પરંતુ તેણીને બીજી ઘણી તકલીફો હતી. તેને લીવર ફેલ્યોર અને હાર્ટની સમસ્યા પણ હતી, જ્યારે તેને તાવ આવ્યો ત્યારે તેણે જાતે જ દવા લીધી, જેનાથી કેસ વધુ બગડ્યો, જો તેણે તેના વરિષ્ઠોને અથવા ઈન્ચાર્જને કહ્યું હોત તો કદાચ તે જ સમયે ટેસ્ટ કરાવ્યા પછી વધુ સારી સારવાર થઈ શકી હોત. અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતક તબીબની હોસ્ટેલમાં ગંદકી સહિત મચ્છરોનો ઉપદ્રવ પણ વધારે જોવા મળ્યો છે, ત્યારે વાઇરલ ફીવર વચ્ચે ડેન્ગ્યુના કેસ ઝડપથી વધતાં તંત્રની દોડધામમાં પણ વધારો થયો છે.