ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે, ત્યારે ભાજપની પ્રેસ-કોન્ફરન્સમાં પ્રભારી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં ગુજરાત વિધાનસભાની બેઠકો માટે ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર કરાયા હતા, ત્યારે સુરતની 12 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ભાજપે 12માંથી 10 ઉમેદવારોને રિપીટ કર્યા છે.
સત્તાવાર રીતે હર્ષ સંઘવીનું નામ સુરતની મજુરા બેઠક પરથી જાહેર થતાની સાથે જ તેઓના સમર્થકોમાં આનંદનો મોજું ફરી વળ્યુ છે. હર્ષ સંઘવીની લોકપ્રિયતા ખૂબ સારી છે, અને તેમની દાવેદારી પહેલાથી જ ખૂબ જ પ્રબળ માનવામાં આવી રહી હતી. જે પ્રકારે સરકારમાં તેમનું કદ વધી રહ્યું હતું, તે જોતા તેમની ટિકિટ પહેલાથી જ ફાઈનલ હતી. છતાં સત્તાવાર રીતે તેમનું નામ જાહેર થતાં તેમના કાર્યાલય બહાર સમર્થકો દ્વારા ગરબે ઘૂમી ઉજવણી કરવામાં આવી હતી.
ભાજપની પ્રથમ યાદીમાં સુરત પશ્ચિમ બેઠકના ઉમેદવાર પૂર્ણેશ મોદી ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. ભાજપ દ્વારા પૂર્ણેશ મોદીને ફરી રીપીટ કરવામાં આવ્યા છે, ત્યારે પોતાના નામની જાહેરાત થતાં જ તેઓ સમર્થકો સાથે ભાજપ કાર્યાલય પહોચ્યા હતા, જ્યાં પૂર્ણેશ મોદીનું ઢોલ નગારા સહિત ફટાકડા ફોડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
તો સુરતની લીંબયાત બેઠક પરથી સંગીતા પાટીલને ભાજપે ફરી રિપીટ કર્યા છે. સંગીતા પાટીલ લીંબયાત બેઠક પર છેલ્લા 2 ટર્મથી ધારાસભ્ય રહ્યા છે, ત્યારે પોતાનું નામ જાહેર થતાં જ સંગીતા પાટીલ ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. જોકે, સંગીતા પાટીલને ફરી રીપીટ કરાતા તેઓના સમર્થકો અને ભાજપના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
તો આ તરફ, સુરતના કતારગામ બેઠક પરથી વિનુ મોરડીયાને ભાજપ દ્વારા ફરી એકવાર રીપીટ કરવામાં આવ્યા છે. વિનુ મોરડીયા શેરીગૃહ વિકાસ મંત્રી રહી ચૂક્યા છે. તો કતારગામ બેઠક પરથી આપ પાર્ટીએ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતાર્યા છે. જોકે, પાર્ટીએ ફરી રીપીટ કરી વિશ્વાસ મુકતા પ્રદેશ અધ્યક્ષ સહિત પાર્ટી હોદ્દોદારોનો વિનુ મોરડીયાએ આભાર માન્યો હતો. આ સાથે જ ભવ્ય મતથી વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
તો બીજી તરફ, ભાજપના જૂના જોગી એવા મનુ પટેલની ઉધના બેઠક માટે ટિકિટ જાહેર કરાય છે. મનુ પટેલ ફોગવા પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેઓ હાલ સુરત શહેર વિવિંગ ઉદ્યોગના પ્રમુખ પદ પર છે. આ સાથે જ તેઓ ભાજપ ઉપ પ્રમુખનું પદ પણ સંભાળી રહ્યા છે.
સુરત પૂર્વ બેઠકની વાત કરીએ તો, આ બેઠક પરથી અરવિંદ રાણાને ભાજપે ફરી રીપીટ કર્યા છે. ભાજપ દ્વારા અરવિંદ રાણાના નામની જાહેરાત કરતાં જ તેઓના સમર્થકો ઉત્સાહમાં આવી ગયા હતા. પોતાને ટિકિટ મળતા જ તેઓએ પાર્ટીના હોદ્દેદારોનો આભાર માન્યો હતો. અને જણાવ્યુ હતું કે, ભારતીય જનતા પાર્ટી માટે ચૂંટણી કોઈ ચેલેન્જ વિષય નથી. ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી હમેશા તૈયાર રહે છે. આ સાથે જ તેઓએ ભારતીય જનતા પાર્ટીનો ઉદય થઈ રહ્યો હોવાનું પણ જણાવ્યુ હતું.