/connect-gujarat/media/post_banners/9d7dac306bea54cf332cb936c152afbf8935746acc45afc4aa9cf73496d0b9e3.webp)
સુરતમાં ફરી BRTS બસનો કહેર જોવા મળ્યો છે. માતેલા સાંઢની જેમ ફરતી BRTS બસે અકસ્માત સર્જતા ચકચાર મચી જવા પામી છે. કતારગામ વિસ્તારમાં BRTS બસે અકસ્માત સર્જ્યો છે. સામે આવેલી વિગતો અનુસાર BRTS બસે બાઈક પર જઈ રહેલા 7 જેટલા લોકોને અડફેટે લીધા હતા. જેમાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે જ્યારે અન્યને સારવાર અર્ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલે ખસેડવામાં આવેલા લોકોની હાલત પણ ગંભીર હોવાની માહિતી સામે આવી છે.
સુરતમાં BRTSની અડફેટે અનેક લોકો કચડાયા છે. કતારગામમાં BRTS બસે છથી વધુ વાહનોને અડફેટે લીધા છે. આ અકસ્માતમાં સાત લોકો ઘાયલ થયા છે જ્યારે ચારથી વધુની હાલત ગંભીર હોવાની વાત સામે આવી છે. હાલમાં છ લોકોને કિરણ હોસ્પિટલમાં અને એકને સ્મીમેરમાં ખસેડાયો છે. ઘટનાની જાણ થતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે.આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પ્રફુલ પાનસેરિયા સાથે ફોન પર વાતચીત કરી છે. કતારગામના ગજેરા સર્કલ પાસે આ દુર્ઘટના ઘટી છે. તો બીજી તરફ ઉશ્કેરાયેલા લોકોએ બસમાં તોડફોડ કરી છે. ભીડને દૂર કરવા પોલીસની ટીમ પહોંચી છે.
મેયર પણ થોડીવારમાં હોસ્પિટલ પહોંચશે તેવી માહિતી સામે આવી છે. મંત્રી પ્રફુલ પાનસેરિયા, સ્થાનિક ધારાસભ્ય કાંતિ બલર હાલમાં હોસ્પિટલે પહોંચ્યા છે. શિક્ષણ રાજ્યમંત્રી કાર્યક્રમ છોડીને હોસ્પિટલે પહોંચ્યા હતા. આ ઉપરાંત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. દુર્ઘટનાસ્થળે સર્જાયેલા ટ્રાફિકજામને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક લોકોએ એમ્બ્યુલંસ બોલાવી ઈજાગ્રસ્તોને હોસ્પિટલે પહોંચાડ્યા હતા