વર્ષ 1971માં ઇન્ડો-પાકિસ્તાન યુદ્ધમાં પાણીમાં તરી શકે એવી ટેન્ક પીટી-76 પીપ્પાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. યુદ્ધનો ભાગ બનેલા બ્રિગેડિયર પર બનેલી ફિલ્મ માટે પીટી-76 ટેન્ક બનાવવામાં આવી હતી
ત્યારે હવે સુરતની જય જવાન નાગરિક સમિતિને આ ટેન્ક ભેટમાં મળવાની છે. સુરતને અગાઉ નિવૃત ફાઈટર પ્લેન મીગ-23 અને યુદ્ધ ટેન્ક પણ ભેટમાં મળ્યા છે. આજે તા. 26મી જુલાઈના દિવસને કારગીલ વિજય દિવસ તરીકે દેશભરમાં મનાવવામાં આવે છે, ત્યારે સુરતમાં શહીદ વીર જવાનોના પરિવારનું છેલ્લા 25 વર્ષથી સન્માન કરવામાં આવે છે. આ સાથે જ પરિવારને મદદ મળી રહે તે માટે આર્થિક સહાય પણ અર્પણ કરવામાં આવે છે.
આજના આ દિવસ નિમિત્તે નિવૃત બ્રિગેડિયરને ખાસ યાદ કરવામાં આવ્યા છે. બલરામસિંહ મહેતાનું જીવન પણ કંઈ ફિલ્મથી ઓછું ઉતરે એવું નથી. કારણ કે, તેમના પર પીપ્પા નામની એક ફિલ્મ પણ બની છે. વર્ષ 1971ના આ યુદ્ધમાં ભારત દ્વારા પહેલીવાર પાણીમાં તરી શકે તેવી ટેન્કને તૈનાત કરવામાં આવી હતી. આ સાથે જ આ ટેન્ક દ્વારા પાકિસ્તાનની ટેન્કોને ભસ્મીભૂત કરીને આ યુદ્ધને જીતી લેવામાં આવ્યું હતું, ત્યારે પીપ્પા નામની ફિલ્મમાં ઉપયોગમાં લેવામાં આવેલી ટેન્ક હવે સુરતમાં લાવીને સુરતની શાનમાં વધારો કરવામાં આવશે. નિવૃત બ્રિગેડિયર બલરામસિંહ મહેતાએ પોતાના જીવન અંગે અને જીવના જોખમે ખેડેલા યુદ્ધ વિશેના પોતાના સંસ્મરણોને યાદ કર્યા હતા.