પાવર ગ્રીડ લાઇન નાખવા માટે જમીન સંપાદનનો મામલો
ઓછું વળતર મળતું હોવાના કારણે ધરતીપુત્રોમાં નારાજગી
ભાજપના ધારાસભ્યોએ કલેક્ટર સમક્ષ આવેદન પત્ર પાઠવ્યું
ખેડૂતોને યોગ્ય તેમજ ઊંચું વળતર મળે તે માટેની રજૂઆત
ધારાસભ્યોની આ રજૂઆત બાદ ધરતીપુત્રોમાં આશા જાગી
સુરત જિલ્લામાં પાવર ગ્રીડ લાઇન નાખવા માટે જમીન સંપાદન મામલે ખેડૂતોને યોગ્ય અને ઊંચું વળતર મળે તે માટે ભાજપના ધારાસભ્યોએ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી આવેદન પત્ર પાઠવ્યું હતું.
સુરત જિલ્લામાં પાવર ગ્રીડ લાઇન મામલે ભાજપના દિગ્ગજ નેતાઓ ગણપત વસાવા અને ઈશ્વર પરમાર સહિતના ધારાસભ્યોએ સુરત જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. આ રજૂઆત બાદ ધારાસભ્ય ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, પાવર ગ્રીડ લાઇન નાખવા માટે જમીન સંપાદન મામલે ખેડૂતોને યોગ્ય અને ઊંચું વળતર મળે તેમજ ખેડૂતોના વળતરનો મુદ્દો મુખ્યમંત્રી સુધી પણ પહોંચાડવામાં આવ્યો છે, અને તેમને સંતોષકારક વળતર મળે તેવી માંગણી કરવામાં આવી છે.
તો બીજી તરફ, ધારાસભ્ય ઈશ્વર પરમારે જણાવ્યું હતું કે, પાવર ગ્રીડ લાઇન જુદા જુદા તાલુકાઓમાંથી પસાર થવાની છે, અને તેમના વિસ્તારમાંથી જ 68 જેટલા ટાવર પસાર થવાના છે. સૌ પ્રથમ આ અંગેનો સર્વે વર્ષ 2023 અને 2024માં થયો હતો. જેમાં ખેડૂતોને ઓછું વળતર મળતું હોવાના કારણે તેમનામાં નારાજગી હતી. જોકે, ધારાસભ્યોની આ રજૂઆત બાદ ખેડૂતોમાં આશા જાગી છે કે, તેમને પાવર ગ્રીડ માટે સંપાદિત થતી જમીનનું ઉચ્ચ વળતર મળી રહેશે, ત્યારે હવે ખેડૂતો સરકારના આગામી પગલાં અને વળતર અંગેના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે.