સારોલી વિસ્તારના ગોડાઉન પર PCB પોલીસના દરોડા
પ્રિન્સ એસ્ટેટના ક્રિયા શક્તિ લોજિસ્ટિક તપાસ હાથ ધરાય
દિલ્હીથી 5 ટ્રકમાં લવાયો હતો પ્રતિબંધીત ગુટકાનો જથ્થો
બનાવટી પાન-મસાલા સહિત રૂ. 6 કરોડનો મુદ્દામાલ જપ્ત
3 ઇસમોની ધરપકડ સાથે પોલીસની કાયદેયસરની કાર્યવાહી
સુરતમાંથી બનાવટી તંબાકુ મિશ્રિત ગુટકા, કેમિકલ મિશ્રિત પાન-મસાલાના પાઉચ સહિત રૂ. 6 કરોડની કિંમતના જીવલેણ ગુટકાના જથ્થા સાથે પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે 3 ઇસમોની ધરપકડ કરી કાયદેયસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત PCB પોલીસને બાતમી મળી હતી કે, ગુજરાતમાં પ્રતિબંધીત ડુપ્લિકેટ ગુટકા અને પાન-મસાલા ભરેલી ટ્રક દિલ્હીથી સુરત તરફ આવનાર છે, અને આ જથ્થો સારોલી વિસ્તારમાં આવેલા પ્રિન્સ એસ્ટેટના ક્રિયા શક્તિ લોજિસ્ટિકમાં છુપાવવામાં આવ્યો છે.
આ માહિતીના આધારે PCBએ અલગ-અલગ ટીમો બનાવી ક્રિયા શક્તિ લોજિસ્ટિક પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન એક નહીં, પરંતુ 5 ટ્રકમાં ભરાઈને આવેલો પ્રતિબંધીત ગુટકાનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે ગોડાઉનમાંથી રૂ. 6 કરોડની કિંમતનો જીવલેણ ગુટકાના જથ્થા સાથે ગોડાઉનના ઇન્ચાર્જ સંજય શર્મા, સંદીપ નેણ અને વિશાલ જૈનની ધરપકડ કરી હતી. આરોપીઓ છેલ્લા 3 મહિનાથી અહીં ડુપ્લિકેટ ગુટકાનું ગોડાઉન ચલાવતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ સાથે મહાવીર નેણ અને અનિલ યાદવ નામના બન્ને શખ્સ દિલ્હીથી આ ડુપ્લિકેટ ગુટકા સુરત મોકલતા હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. જેથી પોલીસે આ બન્ને આરોપીને પણ વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે.