શહેરમાં લૂંટ, ધાડ, ચોરી સહિતના ગુન્હાનો ગ્રાફ વધ્યો
સચિન વિસ્તારની યુકો બેંકના ATMમાં ચોરીની ઘટના
ATMમાં ડબલ ગમ પટ્ટી લગાવી ચોરીને અંજામ અપાયો
ગમ પટ્ટીમાં ચલણી નોટ ફસાય જતાં શખ્સો લઈ લેતા
4 ભેજાબાજોની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી
સુરત શહેર તથા જીલ્લામાં લૂંટ, ધાડ અને ચોરી સહિતના ગુન્હાઓનો ગ્રાફ દિવસેને દિવસે આગળ વધી રહ્યો છે. તેવામાં સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલ યુકો બેંકના ATMમાંથી ચોરીની ઘટના સામે આવી છે. ATMમાં ડબલ ગમ પટ્ટી લગાવી ભેજાબાજો ચોરીને અંજામ આપતા હતા. યુકો બેંક ATMમાં છેલ્લા 2 દિવસથી કંઈક ગડબડ ચાલી રહી હોવાની બેંક મેનેજરને શંકા ગઈ હતી, ત્યારે ATM કેબીનની નિયમિત તપાસ દરમિયાન ડસ્ટબીનમાં ડબલ ગમ લગાવેલી કાળી પટ્ટી નજરે પડી હતી. આ સાથે જ CCTV ફૂટેજ જોતાં એક અજાણ્યો શખ્સ ATM મશીનના કેશ ડિસ્પેન્શન પાસે શંકાસ્પદ હરકતો કરતો જોવા મળ્યો હતો.
સમગ્ર મામલે બેંક મેનેજરે સચીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યારે પોલીસે ફરિયાદના આધારે તાત્કાલિક તપાસ આગળ ધપાવી હતી. જેમાં પોલીસે CCTV ફૂટેજના આધારે વિક્કીકુમાર ઉર્ફે રવિકુમાર ગુપ્તા, છોટુકુમાર પાસ્વાન, ક્રીશકુમાર ઉર્ફે રજત ઠાકુર અને ક્રિષ્ણકુમાર ઉર્ફે બબુઆ શર્માની ધરપકડ કરી હતી. ભેજાબાજોની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો, તેઓ સૌપ્રથમ ATMમાં ડબલ ગમ પટ્ટી લગાવી રાખતા હતા, જ્યારે ગ્રાફક રૂપિયા ઉપાડે ત્યારે ચલણી નોટ ગમમાં ફસાય અને ગ્રાહક ખાલી હાથે ATMમાંથી બહાર નીકળી જાય છે. ત્યારબાદ ફસાયેલી નોટ આ ચારેય શખ્સો કાઢી લેતા હતા. આમ, પોલીસની મહેનતના કારણે ગુન્હાનો ભેદ ઉકેલાઈ ગયો છે.