લસકાણાના શિવમ ક્લિનિક પર ઝોન-1 LCB પોલીસના દરોડા
લસકાણા ડાયમંડ ઇન્ડસ્ટ્રી વિસ્તારમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો
અગાઉ પણ ધરપકડ બાદ જામીન પર છૂટી ક્લિનિક શરૂ કર્યું
ધોરણ 10 પાસ ડોક્ટર ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો : પોલીસ
ગંભીર બાબતોને ધ્યાને લઈને પોલીસે આરોપીની ધરપકડ કરી
સુરત શહેરમાં નકલી ડોક્ટરો સામે પોલીસની કાર્યવાહી યથાવત છે, ત્યારે LCB ઝોન-1ની ટીમે ફરી એકવાર લસકાણા ડાયમંડ ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં રેડ કરીને નકલી ડોક્ટરને ઝડપી પાડ્યો છે.
સુરત LCB ઝોન-1ની ટીમને બાતમી મળી હતી કે, લસકાણા ડાયમંડ ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં શિવમ ક્લિનિક ફરીથી ગેરકાયદેસર રીતે કાર્યરત થયું છે. બાતમીના આધારે, પોલીસે સ્થળ પર રેડ કરીને 40 વર્ષીય કમલેશ રામદેવ રાયને ક્લિનિક પર દર્દીઓની સારવાર કરતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.
આરોપી કમલેશ રાય પાસે મેડિકલ પ્રેક્ટિસ માટે કોઈ માન્ય ડિગ્રી કે, લાયસન્સ નથી. તે અગાઉ કોઈ ડોક્ટરને ત્યાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હતો. આ અનુભવના આધારે, તેણે લસકાણા જેવા ઔદ્યોગિક વિસ્તારમાં જ્યાં શ્રમજીવી વર્ગ વધુ હોય છે, ત્યાં પોતાનું ક્લિનિક શરૂ કરી દર્દીઓને બેફામપણે એલોપેથિક દવાઓ આપીને તેમની જિંદગી જોખમમાં મુકી રહ્યો હતો.
આ કેસની સૌથી ગંભીર બાબત એ છે કે, આ આરોપી અગાઉ પણ પકડાઈ ચૂક્યો છે. થોડા સમય પૂર્વે પોલીસે કમલેશ રાયને બોગસ ડોક્ટર તરીકે ઝડપી પાડ્યો હતો. કાયદાકીય પ્રક્રિયા બાદ જેલમાંથી છૂટ્યા પછી પણ આરોપીએ કોઈ શીખ લીધી નહોતી. તેણે બેફામ બનીને સમાન જગ્યાએ કાયદાના ડર વિના તેનું શિવમ ક્લિનિક ફરીથી ધમધમતું કરી દીધું હતું, ત્યારે હાલ તો પોલીસે ત્વરિત કાર્યવાહી કરી તેને સળિયા પાછળ ધકેલી દીધો છે.
આ સાથે જ પોલીસે ક્લિનિકમાંથી નાની-મોટી શસ્ત્રક્રિયા માટે વપરાતા સાધનો, એલોપેથિક દવાનો જથ્થો, મેડિકલ સાધનો, અન્ય તપાસ અને સારવારમાં વપરાતા ઉપકરણો સહિત કુલ રૂ. 43 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.