સરકારી શાળામાં બાળકોને અપાતાં નાસ્તા પર કાપ મુકાયો
ગુજરાત સરકારના તઘલખી નિર્ણય વિરુદ્ધ AAPનો વિરોધ
કલેક્ટર કચેરીએ મુખ્યમંત્રીને સંબોધીને આવેદન અપાયું
ભ્રષ્ટાચારો પર કાપ મુકવા AAPના આગેવાનોની રજૂઆત
કુપોષણની સમસ્યા ઘટવાના બદલે વધી : AAP પ્રદેશ મહામંત્રી
ગુજરાત સરકાર દ્વારા સરકારી શાળામાં બાળકોને આપવામાં આવતા નાસ્તા પર કાપ મુકવામાં આવતા સુરત કલેક્ટર કચેરી ખાતે મુખ્યમંત્રીને સંબોધીને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
મધ્યાહન ભોજન યોજના અંતર્ગત સરકારી શાળાના બાળકોને એક વખતનું ભોજન તેમજ એક વખતનો નાસ્તો આપવામાં આવે છે, પણ તાજેતરમાં જ સરકારે નિર્ણય લીધો છે કે, એક વખતના આ નાસ્તામાં કાપ મુકીને હવેથી માત્ર એક વખતનું ભોજન જ આપવામાં આવશે. એક તર્ક એવો આપવામાં આવી રહ્યો છે કે, વ્યવસ્થાના ભાગરૂપે તેમજ પૈસા બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે,
ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટીએ કલેક્ટર વતી રાજ્યના મુખ્યમંત્રીને સંબોધતું આવેદન પત્ર પાઠવ્યું છે. આપના પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 5 વર્ષથી ઓછી વયના 39.73% બાળકો કુપોષિત છે. એટલે કે, રાજ્યમાં પ્રત્યેક ચોથું બાળક કુપોષણની સમસ્યા ધરાવે છે. આ ઉપરાંત 21.39% બાળકોને નિર્ધારિત માપદંડ કરતાં ઓછું વજન ધરાવે છે.
જૂન-2024માં કુપોષણની સૌથી વધુ સમસ્યા હોય એવા રાજ્યોમાં ગુજરાત 6ઠ્ઠા સ્થાને હતું. ફેબ્રુઆરીમાં ગુજરાત વિધાનસભામાં સરકારે પોતે રજૂ કરેલા આંકડાઓ અનુસાર ગુજરાતમાં 6,10,292 બાળકો કુપોષિત અને 1,31,419 બાળકો અતિકુપોષિત હોવાનું સામે આવ્યુ છે. છેલ્લા 5 વર્ષમાં કુપોષિત બાળકોની સંખ્યામાં 4 ગણો વધારો થયો છે. એટલે કે, કુપોષણની સમસ્યા ઘટવાને બદલે વધી રહી છે, ત્યારે હવે ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત આપવામાં આવતું ભોજન અને નાસ્તો યથાવત રાખવામાં આવે અને પૈસા બચાવવા માટે ભ્રષ્ટાચારો ઉપર કાપ મુકવામાં આવે તે જરૂરી બન્યું હોવાનું પણ તેઓએ જણાવ્યુ હતું.