રાંદેર વિસ્તારમાં બની ચોંકાવનારી ઘટના
ટાઈમ ગેલેક્સી A બિલ્ડીંગમાં બની ઘટના
10 માળે સુતા વૃદ્ધ બારીમાંથી પડતા 8માં માળે અટકયા
બારીની ગ્રીલમાં વૃદ્ધ ફસાતા રહીશોમાં દોડધામ
ફાયર બ્રિગેડ દ્વારા વૃદ્ધનુ કરાયું દિલધડક રેસ્ક્યુ
સુરતના રાંદેર વિસ્તારની ટાઈમ ગેલેક્સી A બિલ્ડિંગમાં 10 માળે રહેતા 57 વર્ષીય વૃદ્ધ ઘરની બારી પાસે સુતા હતા,ત્યારે સંતુલન ગુમાવતા તેઓ બારીમાંથી પડી જતા 8માં માળની બારીની ગ્રીલમાં ફસાઈ ગયા હતા.ફાયર બ્રિગેડે દિલધડક રેસ્ક્યુ કરીને વૃદ્ધને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા.
સુરતના રાંદેર વિસ્તારમાં એક વૃદ્ધ વ્યક્તિ બિલ્ડીંગની બહાર જાળીમાં ફસાઈ ગયા હતા.રાંદેરના જહાંગીરાબાદ વિસ્તારમાં ડી માર્ટ પાસે આવેલ ટાઈમ ગેલેક્સી A બિલ્ડિંગમાં આ ઘટના બની હતી. જોકે બાદમાં ફાયર વિભાગ દ્વારા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
બિલ્ડીંગના 10માં માળે રહેતા 57 વર્ષીય વૃદ્ધ પોતાના ઘરની બારી પાસે સુતા હતા. તે દરમિયાન અચાનક સંતુલન ગુમાવતા તેઓ નીચે પડી ગયા હતા. નીચે પડતા તેઓ 8માં માળે બારીની બહાર લગાવેલી સુરક્ષા જાળીમાં ફસાઈ ગયા હતા. આ તરફ વૃદ્ધનો પગ જાળી અને ગ્રીલમાં ફસાઈ જતા તેઓ બહાર નીકળી શકતા નહોતા.
આ તરફ સમગ્ર ઘટનાની જાણ તરત ફાયર કંટ્રોલ રૂમને કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને ફાયર કર્મચારીઓએ તુરંત બચાવ અને રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. સ્થાનિકો મુજબ લગભગ એક કલાકની મહેનત બાદ 8માં માળેથી જાળી કાપી વૃદ્ધને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. રેસ્ક્યુ બાદ તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.