સુરત : ગુટખાની પિચકારી મારતા લોકો થઈ જાઓ સાવધાન, બેફામ થૂકનારાઓને કોર્ટ સુધી ઘસડી જવાશે..!

સુરત શહેરમાં બ્રિજ અને ડિવાઈડરો પર ગુટખાની પિચકારી મારતા લોકો સામે હવે પાલિકા દંડનીય કાર્યવાહી કરવા જઈ રહી છે

New Update
સુરત : ગુટખાની પિચકારી મારતા લોકો થઈ જાઓ સાવધાન, બેફામ થૂકનારાઓને કોર્ટ સુધી ઘસડી જવાશે..!

સુરત શહેરમાં બ્રિજ અને ડિવાઈડરો પર ગુટખાની પિચકારી મારતા લોકો સામે હવે પાલિકા દંડનીય કાર્યવાહી કરવા જઈ રહી છે. જેમાં રૂ. 100 દંડ નહીં ભરે તો 150 રૂપિયા પેનલ્ટી સહિત વાહન રજિસ્ટ્રેશન પણ રદ કરવા આદેશ અપાયા છે.

દિવાળીના તહેવારમાં સુરત શહેરમાં બ્રિજ, સર્કલ સહિત ડિવાઇડરને આકર્ષક રંગરોગાન તો થઈ રહ્યા છે, પણ માવા-ગુટખા ખાઈ બેફામ થૂંકનારાઓના કારણે આ આકર્ષણો ગંદા થતા હોવાથી પાલિકા કમિશનરે આવા તત્વોને પાઠ ભણાવવા હવે કોર્ટમાં ઘસડી જવા સુધીની તૈયારી દર્શાવી છે. જેમાં આઈ ટ્રિપલ-સીમાંથી કુલ 3,250 કેમેરા થકી મોનિટરીંગ કરી આવા તત્વોના ઘરે ઇ-મેમો ફટકારી દંડ વસૂલાશે. આ ઉપરાંત RTO સાથે સંકલન કરી આરોપીના ઍડ્રેસ પર ઝોનની ટીમ ઘરે પહોંચીને દંડ ફટકારશે. આ ઉપરાંત દિવાળી બાદ આ મુદ્દે કડક કાર્યવાહી શરૂ કરવા કમિશનરે આદેશ આપ્યા છે. જેમાં કમિશનરે જણાવ્યું કે, કાર, બાઇક પરથી જાહેરમાં થૂંકનારાઓને દંડ ફટકારાશે. પહેલાં રૂપિયા 100 દંડ કરાશે. અઠવાડિયામાં નહીં ભરનાર પાસે અઢી ઘણો દંડ વસૂલાશે. દંડ નાગરિક સુવિધા કેન્દ્રો-ઓન લાઈન ભરી શકાશે. 7 દિવસમાં દંડ નહીં ભરે તો દંડ 250 થઈ જશે. જેમાં GPMC એક્ટ-2016 મુજબ કાર્યવાહી કરાશે. ચાલુ વાહન પરથી જાહેર સ્થળ પર પિચકારી મારનારા કે, કચરો ફેંકનારા સામે પણ નોટિસ ભંગ બદલ કાર્યવાહી કરાશે. દંડ નહીં ભરનારા સામે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાશે. આ સાથે જ RTOમાંથી વાહનનું રજિસ્ટ્રેશન પણ કેન્સલ કરાશે, જ્યારે શહેરમાં વધતાં ગુટખા-માવા ખાઈ થૂંકનારાઓના ન્યૂશન્સને પગલે હવે દિવાળી બાદ આકરો દંડ વસૂલવા સ્પષ્ટ આદેશ કરાયા છે.

Latest Stories