Connect Gujarat
સુરત 

સુરત : જર્મનીના રાજદૂત વોલ્ટર જોહ્નીસ લિન્ડ્નેરે લીધી શહેરની મુલાકાત, સ્વચ્છતા જોઈ થયા પ્રભાવિત

જર્મનીના રાજદૂત વોલ્ટર જોહ્નીસ લિન્ડ્નેરે સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના ભીમરાડ ગામે કાર્યરત KFW ફાઈનાન્સ્ડ મેટ્રો પ્રોજેક્ટની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

X

જર્મનીના રાજદૂત વોલ્ટર જોહ્નીસ લિન્ડ્નેરે સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના ભીમરાડ ગામે કાર્યરત KFW ફાઈનાન્સ્ડ મેટ્રો પ્રોજેક્ટની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મેટ્રો પ્રોજેક્ટના ડિરેક્ટર સહદેવસિંહ રાઠીએ જર્મનીના રાજદૂતને સમગ્રલક્ષી કાર્યપદ્ધતિથી માહિતગાર કર્યા હતા.

પહેલીવાર સુરતના મહેમાન બનેલા જર્મનીના રાજદૂત વોલ્ટર જોહ્નીસ લિન્ડ્નેર સુરતની સ્વચ્છતાથી પ્રભાવિત થયા હતા. શહેરના ચોકબજાર સ્થિત ઐતિહાસિક કિલ્લાની મુલાકાતે જર્મનીના રાજદૂત વોલ્ટર જોહ્નીસ લિન્ડ્નેર પહોચ્યા હતા. તેઓ સાથે જિલ્લા ક્લેક્ટરશ્રી આયુષ ઓક તથા મેયર હેમાલી બોઘાવાલા સહિતના અધિકારીઓએ સાથે બેઠક યોજી સ્માર્ટ સિટી તરીકે પ્રગતિ કરી રહેલા સુરત શહેર વિશે વિસ્તારમાં માહિતી આપી હતી. તેમજ મેટ્રો પ્રોજેક્ટની કામગીરી અને પ્રગતિથી વાકેફ થયા હતા. મેટ્રો પ્રોજેક્ટ માટે જર્મની અને ફાન્સ સરકારે રૂ. ૫,૪૩૪ કરોડની લોન સહાય આપી છે. જેથી શહેરના લોકોને ભવિષ્યમાં સલામત અને ઝડપી મુસાફરીનો લાભ મળશે. આ પ્રોજેક્ટ વહેલી તકે અને યોગ્ય રીતે પૂર્ણ થાય તે માટે ફન્ડિંગ તેમજ અન્ય ટેકનિકલ સપોર્ટ પુરો પાડવાની તેમણે ખાતરી આપી હતી. રાજદૂત તથા અન્ય સભ્યોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.

આ પ્રસંગે સુરત મેટ્રો પ્રોજેક્ટ ડાયરેકટર સહદેવ સિંહ રાઠીએ જણાવ્યું હતું કે, સુરતવાસીઓ માટે અતિ મહત્વપૂર્ણ એવા પ્રોજેક્ટમાં અંદાજિત ૫૦ ટકાનું રોકાણ જર્મની અને ફ્રાન્સ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. જેથી મેટ્રો પ્રોજેક્ટમાં આધુનિક મોડર્ન સિસ્ટમનો ઉપયોગ કરવામા આવી રહ્યો છે. જેના કારણે આ પ્રોજેક્ટનું કામ ઝડપી અને સમયસર પૂર્ણ થશે. હાલમાં ૧૮.૬ કિલોમીટર માટેની મેટ્રો લાઈનની કામગીરી ચાલી રહી છે. જેમાં ૬ અંન્ડર ગ્રાઉન્ડ સ્ટેશન, ૬.૪૭ કિલોમીટર ટનલ અને ૧૦ સ્ટેશનની કામગીરી પ્રગતિમાં છે. આ સિવાય, ડ્રીમ સિટીમાં ૨૦ સ્ટેશનની લાઈન માટેના ડેપોનું કામ પણ ઝડપભેર થઈ રહ્યું છે. બે વર્ષમાં કામગીરી પુર્ણ કરવાનો લક્ષ્યાંક હોવાનું તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે ઇકોનોમિકસ અને ગ્લોબલ અફેર્સના મંત્રી સ્ટીફન કોચ, મુંબઈના એક્ટિંગ કોન્સ્યુલેટ જનરલ તથા જર્મન કોન્સ્યુલેટ મિસ. મારીયા ઈનીંગ, પોલિટીક્લ એન્ડ ઇકોનિકસ અફેર્સના સિનિયર એડવાઇઝર મિસ.અશુમી શ્રોફ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story