અમરોલી-કોસાડ રોડ પર શિવમ હોસ્પિટલમાં દરોડા
ગેરકાયદે કરવામાં આવતા ગર્ભ પરિક્ષણનો પર્દાફાશ
જિલ્લા આરોગ્ય વિભાગે છાપો મારી કાર્યવાહી આદરી
આરોગ્ય વિભાગની ટીમે સોનોગ્રાફી મશીન સીલ કર્યું
હજારો રૂપિયા લઇને ગર્ભ પરીક્ષણ કરાતું હતું : DHO
સુરતના અમરોલી-કોસાડ રોડ પર આવેલ શિવમ હોસ્પિટલ એન્ડ ICU સેન્ટરમાં જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે છાપો મારી ગેરકાયદેસર કરવામાં આવતા ગર્ભ પરિક્ષણનો પર્દાફાશ કર્યો હતો.
સુરત જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલને માહિતી મળી હતી કે, અમરોલી- કોસાડ રોડ પર રધુવીર સોસાયટીમાં આવેલ શિવમ હોસ્પિટલ એન્ડ ICU નામે હોસ્પિટલ ચલાવતા ડો. હિતેશ જોશી ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરી રહ્યા છે. માહિતીના આધારે આરોગ્ય વિભાગની ટીમે છાપો મારી તપાસ કરતા ડો. હિતેશ જોશી દ્વારા ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હોવાનું પકડાયું હતું.
ડો. હિતેશ જોષી BHMSની ડીગ્રી ધરાવે છે. એટલે કે, આયુર્વેદિક ડોક્ટર હોવા છતાં તેઓ ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતા હતા. ગર્ભવતી માહિલાઓ પાસેથી હજારો રૂપિયા ખંખેરી લઇને ગર્ભ પરીક્ષણ કરી આપવામાં આવતું હતું. આરોગ્યની ટીમે સોનોગ્રાફી મશીન સીલ કરી ડો. હિતેશ જોશી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ, તબીબે કેટલી ગર્ભવતી મહિલાઓના ગર્ભ પરીક્ષણ કર્યા છે તે બાબતે પૂછપરછ કરવામાં આવશે.