Connect Gujarat
સુરત 

સુરત : વકરી રહેલા રોગચાળા વચ્ચે વધુ એક મહિલાનું મોત, રોગચાળાને નિયંત્રણમાં લેવા મનપાની ઝુંબેશ...

સુરત શહેર તથા જિલ્લામાં વધુ વકરતો રોગચાળો, ડેન્ગ્યુ-મલેરિયાના કેસમાં થઈ રહ્યો છે સતત વધારો.

X

સુરત શહેર તથા જિલ્લામાં વકરી રહેલા રોગચાળા વચ્ચે ઝાડા-ઉલટીના કારણે વધુ એક મહિલાનું મોત નિપજતા સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ દોડતું થયું છે. આરોગ્ય તંત્ર દ્વારા લોકોને રોગચાળા સામે સાવચેત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

સુરત શહેર તથા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી રોગચાળાએ માથું ઊંચક્યું છે. જેમાં ઝાડા-ઉલટી, ડેન્ગ્યુ, મલેરીના કેસમાં સતત વધારો નોંધાયો છે. સુરતમાં રોગચાળાથી વધુ એક મહિલાનું મોત નીપજ્યું છે. સચિન જીઆઇડીસીમાં મલેરિયા બાદ 26 વર્ષીય મહિલાનું નીપજ્યું મોત નીપજ્યું છે.

નિર્મલા વાસુરે 2 દિવસથી મલેરિયાથી પીડાતા હતા. મહિલાને ગતરોજ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી, જ્યાં મહિલાનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. શહેરમાં દિન પ્રતિ દિન ઝાડા-ઉલટી અને મલેરિયાના કારણે મોત થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં આ રોગચાળાના કારણે 12 લોકોના મોત નિપજ્યા છે.

તો બીજી તરફ, સુરત મહાનગરપાલિકા દ્વારા રોગચાળા પર કાબુ મેળવવા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. મનપાના આરોગ્ય વિભાગની ટીમે અલગ અલગ વિસ્તારમાંથી લોકોના બ્લડ સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી છે. સાથે જ લોકોમાં ડેન્ગ્યુ અને મલેરિયા અંગે જાગૃતતા લાવવામાં આવી રહી છે. વધુમાં રોગચાળાથી બચવા માટે પેમ્પલેટ, બેનરના માધ્યમોથી સમજ આપવામાં આવી રહી છે. ઉપરાંત જો કોઈ ગંભીર જણાય આવે તો તાત્કાલિક તેમને હોસ્પિટલમાં રીફર પણ કરવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં ચોમેરથી રોગચાળાની બૂમ ઊઠી રહી છે. તેમાંય ઝાડા-ઉલટીમાં બાળકોના મોત થવાના કિસ્સા વધી ગયા છે. ચોમાસાના આગમન સાથે જ વકરી રહેલા રોગચાળાની પરિસ્થિતિ જોતા પાલિકાના આરોગ્ય વિભાગની કામગીરીને લઈને પણ સવાલ ઉભા થઈ રહ્યા છે.

Next Story