- વર્લ્ડ સિટીઝ સમિટમાં સુરત મનપા કમિશનર થયા સહભાગી
- સમિટમાં ભાગ લઇને આવેલ મનપા કમિશનરે માહિતી આપી
- વર્લ્ડ સિટીઝ સમિટ-2024 માટે મનપાની પસંદગીની શક્યતા
દર બે વર્ષે યોજાતી વર્લ્ડ સિટીઝ સમિટમાં દુનિયાના શ્રેષ્ઠ શહેરો વચ્ચે સમિટ થાય છે. સિંગાપોર ખાતે આયોજીત વર્ષ-૨૦૨૨ની મિટમાં સુરત મનપા દ્વારા થયેલ કામગીરી, ભવિષ્યના આયોજનો,પર્યાવરણ ક્ષેત્રે થયેલ કામગીરી, બેરેજનું આયોજન અને વિશેષ કરીને સેનિટેશન ક્ષેત્રે થઇ રહેલ કામગીરીથી સમિટમાં હાજર દેશના વિવિધ શહેરોના પ્રતિનિધિઓ પ્રભાવિત થયા હતા. વર્લ્ડ સિટીઝ સમિટ-૨૦૨૪માં સુરત મનપાની સમિટના સભ્ય તરીકે પસંદગી થવાની પૂરેપૂરી શક્યતા છે. આ સિવાય મરીના-બે-સેન્ડી ખાતે યોજાયેલ સ્માર્ટ સિટીઝ વર્કશોપમાં વિવિધ ફાયનાન્સિયલ સંસ્થાઓ સાથે પણ મીટિંગ આયોજીત થઇ હતી. જેમાં સૂચિત કન્વેન્શનલ બેરેજ અને હજીરાના ઉદ્યોગોને આપવા જોગ ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ પ્રોજેક્ટ માટે ઝીરો ટકા વ્યાજે નાણાકીય સહાય આપવાની રજૂઆત પણ કરવામાં આવી હતી. આ રજૂઆતના અનુસંધાનમાં ઇન્ટરનેશનલ ફાયનાન્સ કમિટી-IFCની ટીમ ઓગસ્ટ માસના અંત સુધી સુરત આવી શકે છે. તેવામાં આંતરરાષ્ટ્રીય સંસ્થા માસ્ટરકાર્ડ દ્વારા સુરત મનપા સાથે વિવિધ મુદ્દે કરાર કરવા બાબતે પણ તત્પરતા બતાવવામાં આવી છે. મનપા વતી હાઇડ્રોલિક અને ડ્રેનેજ લાઇનના લીકેજીસ શોધવા માટે ઇન્ટેલિજન્સ નેટવર્ક સ્થાપિત ક૨વા માટે પ્લેટફોર્મ પૂરું પાડવાની માગણી માસ્ટરકાર્ડ પાસે કરવામાં આવી છે. જેના અનુસંધાનમાં આગામી એક-બે સપ્તાહમાં માસ્ટરકાર્ડની ટીમ સુરતની મુલાકાત લેશે. એટલું જ નહીં, સિવરેજ વોટર થકી આવક ઊભી કરવાના મોડેલથી સમિટમાં હાજર તમામ શહેરોના પ્રતિનિધિઓ ચોંકી ઉઠ્યા હતા. અન્ય શહેરો સિવરેજ વોટરને ડ્રેનેજ વોટર ગણી તેનો નિકાલ કરે છે, જ્યારે સુરત મનપા દ્વારા સિવરેજ વોટરને આવક ઉત્પન્ન કરવા માટેનો અનોખો સ્ત્રોત બનાવી દીધો છે.