પોર્ટુગલનો બોગસ પાસપોર્ટ બનાવનાર શખ્સની ધરપકડ
ભારત આવેલા અમરેલીના શખ્સને પોલીસે ઝડપી પાડ્યો
ઈમિગ્રેશન અધિકારીઓની તપાસમાં આરોપીનો ભાંડો ફૂટ્યો
ઓળખ બદલીને વિદેશમાં સેટલ થવાનું રચ્યું હતું કાવતરું
ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ ગુનો દાખલ કરાયો
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ફરી એકવાર ડોક્યુમેન્ટ ફ્રોડનો મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મૂળ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના કમી કેરાળા ગામના વતની અને હાલ સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા 49 વર્ષીય ભાવેશ ધીરુભાઈ બોરડની આ મામલે ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે, ભાવેશ બોરડએ પોર્ટુગલ જવા માટે અને ત્યાંની નાગરિકતા મેળવવા માટે 'બામણિયા કલ્પેશકુમાર રતિલાલ' તરીકેનું ખોટું નામ ધારણ કર્યું હતું. આ માટે તેણે બોગસ દસ્તાવેજો અને કિંમતી જામીનગીરીઓ પણ ઊભી કરી હતી.
આરોપી ગત તા. 2 માર્ચ-2026’ પહેલા કોઈપણ સમયે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના ફર્સ્ટ ફ્લોર પર આવેલા ઇન્ટરનેશનલ અરાઈવલ એરિયામાં પહોંચ્યો હતો. અહીં ઈમિગ્રેશન ઓફિસ ખાતે જ્યારે તેના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી, ત્યારે અધિકારીઓને શંકા ગઈ હતી. સઘન તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે, તેણે પોર્ટુગલની સરકારની કચેરીઓમાં બોગસ દસ્તાવેજો રજૂ કરી ત્યાંની નાગરિકતા મેળવી લીધી હતી, અને તેના આધારે મેળવેલ પાસપોર્ટ સંપૂર્ણપણે ગેરકાયદેસર હતો. ડુમસ પોલીસ સ્ટેશનમાં આ મામલે ભારતીય ન્યાય સંહિતા ઉપરાંત 'ધી પાસપોર્ટ એક્ટ, 1967'ની કલમ મુજબ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.