Connect Gujarat
સુરત 

સુરત : પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરો સામે પોલીસની લાલ આંખ, 8 વ્યાજખોરોની ધરપકડ

વ્યાજખોરો સામે લાલ આંખ કરવામાં આવી છે. અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં પોલીસે 7 વ્યાજખોરોમાંથી 6 લોકોની ધરપકડ કરી છે

X

સુરત શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો સામે લાલ આંખ કરવામાં આવી છે. અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં પોલીસે 7 વ્યાજખોરોમાંથી 6 લોકોની ધરપકડ કરી છે. આ ઉપરાંત સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 2 વ્યાજખોરોની ધરપકડ કરવામાં આવી છે. આમ સુરત પોલીસે કુલ 8 વ્યાજખોરોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેરમાં વગર લાઇસન્સે ઊંચા વ્યાજ દરે નાણા આપીને પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરો સામે સુરત પોલીસ દ્વારા હવે લાલ આંખ કરવામાં આવી છે. સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં 18 ઓગસ્ટ 2022ના રોજ ભાનુ પરમાર નામના વ્યક્તિ દ્વારા વ્યાજખોરો સામે એક ફરિયાદ આપવામાં આવી હતી. ભાનુ પરમાર નામના વ્યક્તિની અરજીના આધારે પોલીસ તપાસ માટે ફરિયાદીના ઘરે ગઈ હતી, ત્યારે તે જ સમયે ફરિયાદી ભાનુ પરમાર અને તેના પત્ની વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરવા જતા હતા, આ ઉપરાંત તેમણે એક સુસાઇડ નોટ પણ લખી હતી. ભાનુ પરમારના દીકરા અજયની તબિયત ખૂબ જ ખરાબ હોવાથી ઓપરેશન માટે 2 વર્ષ પહેલા વ્યાજખોરો પાસેથી 3 લાખ રૂપિયા ઉછીના લીધા હતા. પોલીસની પૂછપરછમાં દંપતીએ જણાવ્યું હતું કે, યશ ઐયર નામનો વ્યક્તિ રક્ષાબંધનના 2 દિવસ પહેલા તેમના ઘરે આવ્યો હતો, અને કારમાંથી તલવાર કાઢી દીકરાને મારી નાખવાની ધમકી આપી વ્યાજ પેટે 10 હજાર રૂપિયા પડાવી લીધા હતા. સમગ્ર મામલે પોલીસે વ્યાજ પેટે આપેલી અલગ અલગ રકમના 7 જેટલા વ્યાજખોરોમાંથી 6 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તો બીજી તરફ, સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં પોલીસે હરેશ નેભનાણી અને દિલીપ વાઘવાણી નામના વ્યાજખોરની ધરપકડ કરી છે. આ કેસમાં ફરિયાદી પરમેશ્વર પરમારે વ્યાજખોર પાસેથી માસિક 5 ટકાના વ્યાજે 2.60 લાખ રૂપિયા લીધા હતા, અને તેના બદલામાં વ્યાજખોરોએ 45 લાખ રૂપિયાની કિંમતના મકાનનો દસ્તાવેજ ફરિયાદીની સહીવાળા કોરા ચેક અને અન્ય કાગળ ઉપર ફરિયાદી અને તેમની માતાના અંગૂઠાના નિશાન લઈ લીધા હતા. પૈસા વ્યાજે લીધા બાદ પરમેશ્વર પરમારની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ હતી, અને આર્થિક મંદીનો સામનો કરી રહેલા પરમેશ્વર પરમારે વ્યાજખોરને લીધેલી રકમ ચૂકવી નહોતી. જેથી વ્યાજખોરો દ્વારા પરમેશ્વર પરમાર પાસેથી 2.60 લાખના રૂપિયાની મુદ્દલ અને 7.40 લાખ રૂપિયા વ્યાજ અને પેનલ્ટીના માગ્યા હતા. આમ કુલ 10 લાખ રૂપિયાની માંગણી વ્યાજખોરો દ્વારા કરવામાં આવી હતી. વ્યાજખોરો દ્વારા ફરિયાદી પરમેશ્વર પરમારને ત્રાસ આપવામાં આવતો હતો. વ્યાજખોરો દ્વારા ચેકમાં ખોટી રકમ ભરી બેંકમાં જમા કરી ચેક રિટર્ન કરાવી પરમેશ્વર પરમાર સામે જ કેસ કર્યો હતો. જેથી સમગ્ર મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા હરેશ અને દિલીપ વાઘવાણી નામના વ્યાજખોરની ધરપકડ કરવામાં આવી છે.

આ ઉપરાંત ઉર્વીશ અગ્રાવત નામના એક વ્યક્તિ દ્વારા ક્રાઈમ બ્રાન્ચમાં અશ્વિન ગોસ્વામી નામના વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં ઉર્વીશ અગ્રાવત દ્વારા પોલીસને જણાવવામાં આવ્યું હતું કે, તેને અશ્વિન ગોસ્વામી નામના વ્યાજખોર પાસે તેની કાર ગીરવે મૂકીને મિત્ર ચેતન રાઠોડને 80 હજાર રૂપિયા 10%ના વ્યાજે અપાવ્યા હતા. એટલે કે, આરોપી ઉર્વીશ અગ્રાવત દ્વારા 80 હજાર રૂપિયાની રકમના બદલામાં ઉર્વીશ અગ્રાવતની કાર જમા લેવામાં આવી હતી. તો બીજી તરફ ઉર્વીશ અગ્રાવત દ્વારા રૂપિયા 77 હજાર આરોપી અશ્વિન ગોસ્વામીને ચૂકવી દેવામાં આવ્યા હતા. છતાં વ્યાજખોર અશ્વિન વ્યાજ અને મુદ્દલ સાથે 95 હજાર રૂપિયાની ઉઘરાણી કરતો હતો. સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી વ્યાજખોર અશ્વિન ગોસ્વામીની શોધખોળ શરૂ કરતાં તે રાજકોટમાંથી મળી આવ્યો હતો, અને હાલ વ્યાજખોર અશ્વિન ગોસ્વામી રાજકોટમાં સારવાર હેઠળ છે. આ ઉપરાંત સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે વ્યાજખોરોનો ભોગ બનેલા લોકોની અરજીઓ પર ઝીણવટભરી તપાસ કરી ભોગ બનનાર અરજદારોને રૂપિયા 6.40 કરોડની જમીન-મિલકતો પરત અપાવી છે.

Next Story