સુરત : સચિનમાં બાળકનું રહસ્યમય રીતે મોત, રમતા-રમતા ગુમ થયો, શોધતા ટેરેસ પર પાણીની ટાંકીમાંથી મૃત મળ્યો

New Update
સુરત : સચિનમાં બાળકનું રહસ્યમય રીતે મોત, રમતા-રમતા ગુમ થયો,  શોધતા ટેરેસ પર પાણીની ટાંકીમાંથી મૃત મળ્યો

સુરતના સચિન વિસ્તારમાં રહસ્યમય ઘટના બની છે. તૃપ્તિનગરમાં એક 3 વર્ષના બાળકનું રહસ્યમય સંજોગોમાં મોત થયું છે. બાળક ગુરુવારની સાંજે મિત્રો સાથે રમતી વખતે ગુમ થઈ ગયો હતો. આ દરમિયાન બાળકનો મૃતદેહ ટેરેસ પર પાણીની ટાંકીમાંથી મળ્યો હતો.મળતી માહિતી અનુસાર, મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી સચિનકુમાર કોરી સચિન વિસ્તારમાં આવેલા તૃપ્તિ નગરમાં પરિવાર સાથે રહે છે.

એમ્બ્રોઈડરી કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેને બે સંતાન છે. જેમાંથી એક 3 વર્ષીય આર્યન છે. ઘટના સમયે પિતા કામ પર ગયા હતા. પરિવારે બાળક ગુમ થયા બાદ પાડોશ અને ગલીઓમાં શોધખોળ કર્યા બાદ ધાબા પર જતાં પાણીની ટાંકીમાંથી લાડકો દીકરો મૃત હાલતમાં મળી આવ્યો હતો. સિવિલ લઈ આવતા મૃત જાહેર કરાયો હતો. આર્યન ગુરુવારની સાંજે બાળ મિત્રો સાથે રમતા-રમતા ગુમ થઈ ગયો હતો.

પરિવારે આખી સોસાયટી શોધી કાઢ્યા બાદ પણ એનો ક્યાંય પત્તો ન લાગતા આખરે ટેરેસ પર દોડ્યા હતા. જ્યાં પણ નહીં મળતા પાણીના ટાંકામાં નજર નાંખતા જ મળી આવ્યો હતો. ઘટનાની જાણ બાદ પોલીસે બાળકનું પોસ્ટમોર્ટમ કરાવી આગળની તપાસ હાથ ધરી છે.

Latest Stories