મનપાનો પિંક બસનો પ્રોજેક્ટ
પિંક ઈ-ઓટો બાદ પિંક બસનો પ્રારંભ
ફક્ત મહિલાઓ માટે પિંક બસની સેવા
20 મહિનાની શોધખોળ બાદ મહિલા ડ્રાઈવર મળી
મહિલા ડ્રાઈવરના હાથમાં બસનું સ્ટિયરિંગ
સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરમાં મહિલા ઉત્થાન અને સ્વરોજગાર માટે આગળ વધે તે ઉદ્દેશ્યથી થોડા સમય પૂર્વે જ પિંક ઓટોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.અને હવે ફક્ત મહિલાઓ માટે પિંક બસનો પ્રારંભ કરવામાં આવ્યો છે,ગુજરાતમાં પહેલીવાર બસનું સ્ટિયરિંગ મહિલા ડ્રાઈવર સંભાળશે.
સુરત મહાનગરપાલિકા દ્વારા મહિલા રોજગારીને ધ્યાનમાં રાખીને એક વર્ષ પૂર્વે પિંક ઓટોની શરૂઆત કરવામાં આવી હતી.એક વર્ષ પૂર્વે શરૂ કરવામાં આવેલ આ ઈ-ઓટો પ્રોજેક્ટમાં 47 મહિલાઓને રોજગારી મળી હતી. બીજી તરફ શહેરમાં દોડતી બીઆરટીએસ બસમાં પણ ફક્ત મહિલાઓ મુસાફરી કરી શકે તે ઉદ્દેશ્યથી પિંક બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે, 20 મહિનાની શોધખોળને અંતે મહિલા ચાલક મળતાં હવે ગુજરાતની પહેલી સુરતમાં ફક્ત મહિલા મુસાફરો માટે દોડનારી પિંક બસમાં ડ્રાઈવર પણ મહિલા જ હશે.
શહેરમાં માસ ટ્રાન્સપોર્ટેશન પર સુરત મહાનગરપાલિકા દ્વારા વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને પ્રદુષણ અટકાવવા માટે શહેરનાં તમામ બીઆરટીએસ રૂટ પર ઇ-બસો દોડાવવામાં આવી રહી છે. આ સ્થિતિ વચ્ચે હવે શહેરની મહિલાઓ-યુવતીઓ માટે પણ મહાનગરપાલિકા દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.20 મહિના પૂર્વે પાલિકાનાં તંત્ર દ્વારા શહેરમાં પિંક બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
જેમાં મહિલા ચાલકની સાથે-સાથે મહિલા કંડકટરનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ બસમાં માત્ર મહિલાઓ જ મુસાફરી કરી શકશે. પહેલો રૂટ ઓએનજીસી થી સરથાણા સુધીનો રહેશે.
ઇન્દોરની યુવતી નિશા શર્મા સુરત અને ગુજરાતની પહેલી મહિલાઓ માટે અને મહિલા દ્વારા ચલાવવામાં આવતી પિંક બસની ડ્રાઇવર બની છે. નિશા શર્માએ જણાવ્યું હતું કે, મને પહેલો મોકો મહિલાઓ માટે બસ ચલાવવાનો મોકો ઈન્દોરમાં મળ્યો હતો. એક મહિનાની ટ્રેનિંગ બાદ મેં બસ ચલાવવાનું શરૂ કર્યું હતું. મને બસ ચલાવવાનો ચાર વર્ષનો અનુભવ છે અને હવે ગુજરાત અને સુરતમાં બસ ચલાવવાનો પહેલો મોકો મને આપ્યો છે.