-
ડાયમંડ ઉદ્યોગમાં ભાવ વધારા બાબતે હડતાલનો ઢોલ પિટાયો
-
30 માર્ચના રોજ હીરા ઉદ્યોગમાં પગાર અને ભાવ વધારાને લઇ હડતાલ
-
ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હડતાલનું એલાન કરવામાં આવ્યું
-
કતારગામ દરવાજાથી રેલી કાઢવામાં આવશે
-
તમામ રત્ન કલાકારો હડતાલમાં જોડાય તેવી અપીલ કરવામાં આવી
સુરત ડાયમંડ ઉદ્યોગમાં સર્જાયેલા મંદીના મારથી રત્નકલાકારોની હાલત કફોડી બની છે.આ કારણોસર રત્નકલાકારોના પરિવારના સભ્ય આપઘાત કરી રહ્યા છે. જ્યારે સરકાર દ્વારા રત્નકલાકારો માટે યોજના જાહેર કરવાની માંગ ઉઠી છે.અને કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી.ત્યારે 30 માર્ચના રોજ ડાયમંડ યુનિયન દ્વારા હડતાલનું એલાન ઢોલ પીટીને કરવામાં આવ્યું છે.
સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આગામી 30 માર્ચના રોજ હડતાળ અને કતારગામથી કાપોદ્રા હીરા બાગ સુધીની એકતા રેલીનું એલાન કરવામાં આવ્યું છે. આ માટે સુરતની હીરા માર્કેટ અને કારખાનાઓમાં બેનરો લગાવવામાં આવ્યા છે. આ હડતાળમાં વધુમાં વધુ રત્નકલાકારો જોડાય તે માટે સોશિયલ મીડિયા પર વીડિયો થકી અપીલ કરવાની સાથે હડતાલમાં જોડાવા માટે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.કતારગામ વિસ્તારમાં જ્યાં મોટી સંખ્યામાં કારખાનાઓ આવેલા છે, ત્યાં ઢોલ વગાડીને હડતાલમાં જોડાવા અપીલ કરવામાં આવી રહી છે.
ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે 10 માર્ચે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી રત્નકલાકારોની સમસ્યાઓ અંગે સરકારનું ધ્યાન દોર્યું હતું. સંગઠન દ્વારા 30 માર્ચ, 2025ના ઉદ્યોગ બંધ રાખવાની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે “રત્નકલાકાર એકતા રેલી”નું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે ગાંધી ચિંધ્યા માર્ગે કાઢવામાં આવશે. રેલી માટે પોલીસ વિભાગ પાસે પરમિશન માટેની અરજી કરવામાં આવી છે.
હીરા ઉદ્યોગના રત્નકલાકારો પગાર અને ભાવ વધારો તથા સરકાર રત્નકલાકારોને આર્થિક મદદ કરે એવી માંગ સાથે 30 માર્ચ, 2025ના રોજ અહિંસક સ્વયંભૂ હડતાળમાં જોડાશે. કેમ કે, છેલ્લા ઘણા વર્ષોથી રત્નકલાકારોના પગાર કે ભાવમાં કોઈ વધારો થયો નથી. મોંઘવારી દિન-પ્રતિદિન વધી રહી છે, ત્યારે રત્નક્લાકારોના પગાર વધવાને બદલે ઘટી રહ્યા છે.