હાઈટેક સુવિધાથી સજ્જ કામરેજ માર્ગનો ટોલ પ્લાઝા
'બેરિયરલેસ' મલ્ટી-લેન ફ્રી-ફ્લો ડિજિટલ ટોલ પ્લાઝા
₹ 15 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો ટોલ પ્લાઝા
અનેક વાહનચાલકોએ ટોલ ભરવા માટે રોકાવું નહીં પડે
લોકોને ટ્રાફિકજામ - ઈંધણના બગાડમાંથી મુક્તિ મળશે
સુરતના કામરેજમાં દેશનો પ્રથમ 'બેરિયરલેસ' મલ્ટી-લેન ફ્રી-ફ્લો ડિજિટલ ટોલ પ્લાઝા કાર્યરત થયો છે. ₹ 15 કરોડના ખર્ચે તૈયાર થયેલી આ સિસ્ટમમાં હવે વાહનચાલકોએ ટોલ ભરવા માટે રોકાવું નહીં પડે, જેનાથી ટ્રાફિક જામ અને ઈંધણના બગાડમાંથી મુક્તિ મળશે.
અત્યાધુનિક ANPR કેમેરા અને સેન્સર ટેકનોલોજીથી સજ્જ સુરતના કામરેજમાં દેશના પ્રથમ 'બેરિયરલેસ' મલ્ટી-લેન ફ્રી-ફ્લો ડિજિટલ ટોલ પ્લાઝા પરથી વાહનો અટક્યા વગર સીધા પસાર થઈ શકશે. ભરૂચ-સુરત હાઈવે પર આવેલો 'ચોર્યાસી ટોલ પ્લાઝા' દેશના પરિવહન ક્ષેત્રે નવી ક્રાંતિનું પ્રતીક બન્યો છે. અહીં કોઈપણ આડા અવરોધ કે, ગેટ વગર વાહનો પોતાની ગતિએ સીધા પસાર થઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરાઈ છે. આ પ્રોજેક્ટ દ્વારા હાઈવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ સ્માર્ટ અને ગતિશીલ બન્યું છે. આ સિસ્ટમમાં હાઈ-સ્પીડ સ્કેનર્સ, ANPR કેમેરા અને લિડાર-રડાર ટેકનોલોજીનો સમન્વય કરવામાં આવ્યો છે.
જોકે, અહી વાહન પસાર થતાની સાથે જ 'ફાસ્ટેગ' એકાઉન્ટમાંથી આપમેળે રકમ કપાઈ જાય છે. રોજિંદા 25 હજાર વાહનોની અવરજવર ધરાવતા આ માર્ગ પર હવે મુસાફરી સરળ બની છે, જે સમયની બચત સાથે વાહનચાલકોનો માનસિક તણાવ પણ ઘટાડશે. આ સમગ્ર પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે અહીં એક અત્યાધુનિક કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે. દૈનિક અંદાજે ₹60 લાખનું ટોલ કલેક્શન ધરાવતું આ નાકું પર્યાવરણ માટે પણ આશીર્વાદરૂપ છે; કારણ કે વાહનો ઊભા ન રહેવાથી પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થશે. સુરતની આ પહેલ 'ડિજિટલ ઇન્ડિયા'ના વિઝનને વેગ આપશે અને આગામી સમયમાં દેશના અન્ય હાઈવે માટે રોલ મોડલ સાબિત થશે.