સુરતમાં ધનુરથી પીડાતા બાળકને મળ્યું નવજીવન
13 વર્ષીય બાળક સપડાયો હતો બીમારીમાં
પરિવારોજનો બાળકના બચવાની ઉમીદ ખોઈ બેઠા હતા
તબીબોએ ધનિષ્ટ સારવાર કરીને બાળકને આપ્યુ નવજીવન
બીમારીમાંથી દીકરો મુક્ત થતા પરિવારજનોની આંખો છલકાઈ
સુરતના અમરોલીમાં રહેતા એક બાળકને ધનુરનો રોગ થતા પરિવારે બાળકના જીવવાની ઉમ્મીદ છોડી દીધી હતી. આ દરમિયાન સુરતની ડાયમંડ ટ્રસ્ટ સંચાલિત રામુબા તેજાણી અને શાંતાબા વિડીયા હોસ્પિટલના ડોકટરોએ અથાગ મહેનત કરી મોતના મુખમાં ધકેલાયેલા બાળકને નવી જિંદગી આપી હતી.
સુરતના છાપરાભાઠા અમરોલી વિસ્તારમાં તાપી નદીના પાળા પાસે ઝુપડુ બાંધીને રહેતા ગોપાલ દેવીપુજકના 13 વર્ષના દીકરા રાકેશને પગના ભાગે લોખંડનો સળીયો વાગ્યો હતો,જોકે આ અંગે રાકેશે પણ કોઈને જાણ કરી ન હતી. ત્યારે થોડા દિવસો બાદ અચાનક જ રાકેશનું શરીર આખું જકડાઈ ગયું હતું .જેથી તાત્કાલિક જ તેમના પરિવારજનો તેમને ડાયમંડ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવ્યા હતા.
જ્યાં હોસ્પિટલના તબીબોએ ઇમરજન્સી વોર્ડમાં સારવાર શરૂ કરી હતી. ડોક્ટરોએ જણાવ્યું હતું કે, ધનુરના રોગમાં આખું શરીર જકડાઈ જાય છે તે જ રીતે રાકેશ પણ આખો જકડાઈ ગયો હતો અને તેનું મોઢુ પણ આખું લોક થઈ ગયું હતું. બાળકને જ્યારે હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યારે તેની હાલત ખુબ જ ગંભીર હતી. કેમકે ધનુરનો રોગ જે પણ વ્યક્તિને થાય એમને બચવાનો ચાન્સ ખુબ જ ઓછો રહે છે.
આ દરમિયાન ડાયમંડ હોસ્પિટલના તબીબોએ બાળકની સારવાર ચાલુ કરી હતી. જે પણ દર્દીને ધનુરનો રોગ થાય એમને સૂર્યપ્રકાશના મળે તેવી જગ્યા પર રાખી સારવાર આપવામાં આવે છે.જેથી ડાયમંડ હોસ્પિટલમાં તાત્કાલિક સ્પેશિયલ આઇસોલેશન આઈસીયુ વોર્ડ બનાવવામાં આવ્યો હતો અને બાળકની સારવાર શરુ કરવામાં આવી હતી. 27 દિવસ સુધી સ્પેશિયલ આઇસોલેશન આઈસીયુ વોર્ડમાં બાળકની સારવાર કરવામાં આવી હતી.
જ્યાં સારવારના અંતે રાકેશ નોર્મલ થયો અને ત્યારબાદ તેમને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ પણ તેમને અનેકવિધ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. કોઈપણ જોરથી બોલી શકતું ન હતું કોઈ પણ પ્રકારનો ઘોંઘાટ કરી શકાતો ન હતો કારણ કે તેની સીધી જ અસર રાકેશ પર પડતી હતી. જેથી ડાયમંડ હોસ્પિટલના તમામ સ્ટાફે અને નર્સિંગ સ્ટાફ સાથે મળી અને ખૂબ જ કાળજીપૂર્વક રાકેશની સારવાર કરી હતી.
રાકેશની સારવાર દરમ્યાન તબીબ અને નર્સિંગ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. એક જ પડખે રાકેશ વધારે સમય સુતો રહે તો તેને તેમ જ ચામડીનો રોગ થઈ શકે સાથે ઓક્સિજનનું ઇન્ફેક્શન પણ થઈ શકે સાથે અન્ય કોઈપણ વસ્તુનો આઈસીયુમાં ચેપ પણ લાગી શકે તેમ છતાં પણ આ તમામ ચેલેન્જ નો સામનો કરી અને નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરે અથાગ મહેનત કરી અને 27 દિવસ બાદ રાકેશને ધનુરમાંથી ઉગારી લીધો હતો.પોતાના દીકરાનો જીવ બચી જતા પરિવાર દ્વારા ડોક્ટરનું સન્માન પણ કરાયું હતું.જ્યારે રાકેશને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયો ત્યારે પરિવારના સભ્યોની આંખમાં હર્ષના આંસુ પણ જોવા મળ્યા હતા.