સુરત શહેરના અઠવા લાઇન્સ પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસકર્મીઓ દ્વારા પાર્ક કરાયેલા વાહનોને ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા જ લોક કરવામાં આવ્યા હતા, ત્યારે દંડ ભર્યા બાદ જ વાહનના લોક ખોલવાનું જણાવતા પોલીસકર્મીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
મળતી માહિતી અનુસાર, અઠવા લાઇન્સ પોલીસ હેડક્વાર્ટરમાં રહેતા પોલીસકર્મીઓ દ્વારા પોતાના ટુ વ્હીલર વાહનને પાર્ક કરવામાં આવ્યા હતા, ત્યારે ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા તમામ પોલીસકર્મીઓના વાહનોને લોક કરવામાં આવ્યા હતા. જેમાં 70થી વધુ બાઇકને પોલીસે લોક મારી દેતા પોલીસકર્મીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હેડ ક્વાટર્સના પાર્કિંગમાં જ વાહનો પાર્ક કરાતા વાહન માલિકો દ્વારા દંડ ભર્યા બાદ જ તેના લોક ખોલવાનું ટ્રાફિક પોલીસે જણાવ્યુ હતું, ત્યારે પાર્કિંગમાં બાઇક મુક્યા હોવાથી પોલીસકર્મીઓએ દંડ ભરવાનો સાફ ઇનકાર કર્યો હતો. જોકે, ઉચ્ચ અધિકારીઓની દરમ્યાનગીરી બાદ તમામ વાહનોના લોક ખોલવામાં આવ્યા હતા. તો સાથે જ ફરીથી આ જગ્યાઓ પર વાહન પાર્ક નહીં કરવાની ટ્રાફિક પોલીસ વિભાગે સૂચના આપી હતી.