સુરત શહેરના ઇચ્છાપોર વિસ્તારમાં નરાધમે 4 વર્ષીય બાળકી ઉપર દુષ્કર્મ આચરતા આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આદિવાસી સમાજના આગેવાનોએ રેલી સ્વરૂપે આક્રોશ વ્યક્ત કરી પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદન પત્ર આપી નરાધમને ફાંસીની સજા થાય તેવી માંગ કરી હતી.
સુરત શહેરમાંથી શર્મશાર કરતી ઘટના સામે આવી છે. ઇચ્છાપોર વિસ્તારમાં 4 વર્ષીય બાળકીને એક અજાણ્યો યુવક ઉંચકી ગયો હતો, અને દુષ્કર્મ આચર્યા બાદ બાળકીને મુકી ફરાર થઇ ગયો હતો. જોકે, બાળકી કણસતી હાલતમાં જેમતેમ પરત ફરતા તેમજ બાળકીને લોહીલુહાણ હાલતમાં જોતાં પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બાળકીને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બનાવના પગલે પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી, ત્યારે CCTVમાં યુવક બાળકીને ઉંચકીને લઇ જતો જોવા મળે છે, જ્યારે બાળકી પરત ફરે છે, ત્યારે તે સમય પ્રમાણે 2 કલાક નરાધમે બાળકી પર હેવાનિયત આચરી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે ગણતરીના કલાકોમાં જ નરાધમને ઝડપી પાડ્યો છે. તો બીજી તરફ, આ મામલે સુરત શહેર તથા જીલ્લામાં વસતા આદિવાસી સમાજ દ્વારા રેલી સ્વરૂપે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આદિવાસી સમાજના આગેવાનોએ પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદન પત્ર આપી નરાધમને કડકમાં કડક સજા તેમજ ફાંસીના માંચડે ચડાવવામાં આવે તેવી માંગ કરી હતી. આ ઉપરાંત આદિવાસી સમાજના અગ્રણીઓએ ધારાસભ્ય અને મંત્રીઓ આવા ગંભીર મામલે પણ મૌન દાખવે છે તે બાબતને ખૂબ જ દુઃખદ ગણાવી હતી. આ સાથે જ ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના શહેરમાં જ આવી ધટના વારંવાર બનતી હોવાનો શાબ્દિક પ્રહાર કર્યો હતો, ત્યારે પીડિત બાળકીના પરિવારને વહેલી તકે ન્યાય નહીં મળે તો આદિવાસી સમાજ દ્વારા રસ્તા ઉપર ઉતરી આવી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.