-
હાથીના પગ નીચે મોબાઈલ રખાવી પ્રમોશન કરવાનો મામલો
-
પ્રાણીઓના ઉપયોગ કરવા સામે સરકારે લગાવ્યો છે પ્રતિબંધ
-
વિડિયો વાયરલ થતાં વન વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરાય
-
વિડિયો બનાવનાર દુકાન માલિક વિરુદ્ધ વન વિભાગની કાર્યવાહી
-
તાકીદે ખુલાસો આપવા માટે વન વિભાગ દ્વારા નોટિસ ફટકારાય
સુરત શહેરમાં હાથીના પગ નીચે મોબાઈલ રખાવી પ્રમોશન કરતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, ત્યારે વિડિયો બનાવનાર દુકાન માલિક વિરુદ્ધ વન વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આજના આધુનિક અને સોશિયલ મીડિયાના જમાનામાં કેટલાક લોકો પોતાને વધુ પ્રચલિત કરવાની ઘેલછામાં ભાન ભૂલી જતાં હોય છે. આપણે જોઈએ છીએ તેમ, બાઇક અને કાર પર સ્ટંટ તેમજ જાહેરમાં તલવારથી કેક કાપવી સહિત ભાઈગીરીના વિડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હોય છે. તો બીજી તરફ, પોલીસ પણ આવા તત્વોને કાયદાનો કડક પાઠ ભણાવતી હોય છે, ત્યારે સુરત શહેરમાં થોડા દિવસ પહેલા હાથીના પગ નીચે મોબાઈલ રખાવી પ્રમોશન કરતો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
આ વાયરલ વિડિયો સુરતની હેવમોર મોબાઇલ શોપના પ્રમોશન માટે બનાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. સર્કસ સહિતની કોઈપણ જગ્યા પર પ્રાણીઓના ઉપયોગ કરવા સામે સરકારે પ્રતિબંધ લગાવ્યો છે, તેવામાં આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વન વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે દુકાન માલિકને તાકીદે ખુલાસો આપવા માટે વન વિભાગે નોટિસ ફટકારી છે.