પુણામાં ભાગ્યોદય ઇન્ડટ્રીઝમાં લૂંટ વિથ ફાયરિંગનો મામલો
આરોપી દિલીપસિંહે કારીગરોને કામ કરવાની ના કહ્યું હતું
તેમ છતાં ફરિયાદી કામ ઉપર આવતા સમગ્ર ઘટના બની
આરોપીએ કારીગરોના 2 ફોન સહિત રોકડની લૂંટ ચલાવી
LCB પોલીસે મુખ્ય આરોપીની બિહાર ખાતેથી કરી ધરપકડ
સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલ ભાગ્યોદય ઇન્ડટ્રીઝમાં લૂંટ વિથ ફાયરીગની ઘટનામાં પોલીસે મુખ્ય આરોપીની બિહાર ખાતેથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરના પુણા ગામમાં સાડીના કારખાનામાં 2 રાઉન્ડ ફાયરિંગ અને લૂંટની ચોંકાવનારી ઘટના બની હતી. આ ઘટનામાં પૂર્વ કારીગર દિલીપસિંહ અર્જુનસિંહ અને તેના 2 સાગરીતોએ ફેક્ટરીના માલિક મદનસિંહ ભાટી અને કારીગરોને નિશાન બનાવ્યા હતા. દારૂ પીવાની આદત અને વારંવારના ઝઘડાને કારણે માલિક દ્વારા નોકરીમાંથી કાઢી મુકાયેલા દિલીપસિંહે આ કૃત્યને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. શેઠને ડરાવવા અને કારીગરોને નોકરી ન કરવા દેવા પૂર્વ કારીગરોયે પિસ્તોલ વડે ફાયરિંગ, લૂંટ અને તોડફોડની ઘટનાને અંજામ આપ્યો હતો.
ઘટના બાદ દિલીપસિંહ અને તેના સાગરીતો ત્યાંથી નાસી છૂટ્યા હતા. લૂંટારૂઓએ કારીગરોના 2 મોબાઈલ ફોન અને રોકડ રકમની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. સમગ્ર મામલે અગાઉ પોલીસે બાતમીના આધારે દિલ્હીના ગુરુગ્રામથી આરોપી સચિનની ધરપકડ કરી હતી, જ્યારે આ ઘટનામાં ફરાર મુખ્ય આરોપી દિલીપસિંહની ધરપકડમાં પણ પોલીસને હવે સફળતા મળી છે. સુરત LCB પોલીસે મુખ્ય આરોપી દિલીપસિંહની બિહાર ખાતેથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.