Connect Gujarat
સુરત 

તમે ક્યારેક સાબુના ગણપતિ જોયા છે, નહીં ને..! 2,655 કિલો સાબુમાંથી કરાયું પ્રતિમાનું નિર્માણ...

ત્યારે ગણેશ મહોત્સવ દરમ્યાન આ શ્રીજીની પ્રતિમા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે

X

સુરતની મૂર્તિકારે 2655 કિલો સાબુમાંથી અનોખા ગણપતિનું નિર્માણ કર્યું છે, ત્યારે ગણેશ મહોત્સવ દરમ્યાન આ શ્રીજીની પ્રતિમા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

સુરત શહેર તથા જીલ્લામાં દર વર્ષે ગણપતિ મહોત્સવ દરમિયાન કંઈક અનોખું કરી યુવાનોને ધાર્મિક આસ્થા અને સર્જનાત્મક કાર્ય તરફ આકર્ષિત કરવાના હેતુથી ડૉ. અદિતિ મિત્તલ દ્વારા અનોખા ગણપતિની સ્થાપના કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ તેઓએ 2655 કિલો સાબુમાંથી ગણેશજીની અનોખી મૂર્તિ બનાવીને આર્ટ ગેલેરીમાં મુકી છે. ડુમસમાં આવેલા VR મોલમાં રાખવામાં આવેલ ગણેશજીની મૂર્તિ વિશે ડો. અદિતિ મિત્તલે જણાવ્યું હતું કે, દર વખતની જેમ આ વખતે પણ તે એવા ગણપતિ બનાવશે છે, જે ખરેખર ઇકો ફ્રેન્ડલી લાગે. આ માટે તેણીએ સાબુ પસંદ કર્યો હતો. અંદાજે 2655 કિલો સાબુ વડે 11 ફૂટ લાંબી, અગિયાર ફૂટ પહોળી અને સાડા 6 ફૂટ ઊંચી પ્રતિમા બનાવી છે. ભારતના ચંદ્રયાન મિશનની થીમ પર તેમણે ભારતીય ત્રિરંગો, ચંદ્રયાન, વિશ્વ, રોકેટ વગેરે બનાવ્યા છે, અને ચંદ્રની સપાટી પણ બતાવી છે. વધુમાં ડો. અદિતિ મિત્તલે જણાવ્યું હતું કે, વિસર્જન બાદ જરૂરિયાતમંદ લોકોને સાબુનું પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવશે. ડો. અદિતિ મિત્તલ છેલ્લા 6 વર્ષથી સતત તરબૂચ, ડ્રાયફ્રૂટ્સ, નારિયેળ, મકાઈ વગેરેમાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવે છે, ત્યારે આ વર્ષે સાબુમાંથી બનાવેલ ગણપતિની પ્રતિમા ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને ગુજરાત બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન પામી છે.

Next Story