સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં આવેલા બલદાણા ગામમાં નવરાત્રી પર્વની અત્યંત ઉત્સાહ અને ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં આવેલા બલદાણા ગામમાં નવરાત્રી પર્વની અત્યંત ઉત્સાહ અને ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આજકાલના આધુનિક અને ઝાકઝમાળ વાળા યુગમાં પણ બલદાણા ગામના અંબાજી ચોકમાં રમાતી વર્ષો જૂની પરંપરાગત ગરબી આજે પણ પોતાનું મૂળ સ્વરૂપ અને પવિત્રતા જાળવી રહી છે.
નવરાત્રીના પવિત્ર સાતમા નોરતે બલદાણા ગામમાં એક દિવ્ય અને નયનરમ્ય માહોલ સર્જાયો હતો. અંબાજી ચોકમાં ગામની મહિલાઓએ માતાજીની શ્રદ્ધાસુમન અર્પિત કરતા માથે બેડા ધારણ કર્યા હતા અને ઢોલના તાલે તાલબદ્ધ રીતે ગરબે ઘૂમી હતી. પરંપરાગત ગરબીમાં ગરબે રમતી મહિલાઓમાં માઁ અંબા પ્રત્યેની અગાધ શ્રદ્ધા, ભક્તિ અને અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. માથે બેડા લઈને ગરબે રમતી મહિલાઓના આ દ્રશ્યોએ સમગ્ર ગામમાં ભક્તિમય ઊર્જાનો સંચાર કર્યો હતો.
બલદાણા ગામની આ ગરબી માત્ર ધાર્મિક આરાધના પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે ગામની વડીલોપાર્જિત સંસ્કૃતિ અને સામૂહિક એકતાનું જીવંત પ્રતીક બની ચૂકી છે. ગામના તમામ લોકો ભેગા મળીને પોતાની સંસ્કૃતિ અને વારસાને જાળવી રાખવા બદલ ગર્વ અનુભવે છે. આધુનિકતાના પ્રભાવ વચ્ચે પણ ગામના અંબાજી ચોકમાં માતાજીની આરાધના, ભક્તિ અને ગ્રામીણ સંસ્કૃતિનો આવો અનોખો સંગમ જોઈને દર્શનાર્થીઓ અને ગ્રામજનો ભાવવિભોર બન્યા હતા.
