સુરેન્દ્રનગર : તાઉતે વાવાઝોડાએ રણ વિસ્તારને પણ ન છોડ્યો, મીઠાના પાટામાં પાણી ફરી વળતા અગરિયાઓ થયા પાયમાલ

New Update
સુરેન્દ્રનગર : તાઉતે વાવાઝોડાએ રણ વિસ્તારને પણ ન છોડ્યો, મીઠાના પાટામાં પાણી ફરી વળતા અગરિયાઓ થયા પાયમાલ

અરબી સમુદ્રમાંથી આવેલા 'તાઉ-તે' વાવાઝોડાએ ગુજરાતના દરિયાકાંઠાના શહેરોમાં તો તારાજી સર્જી છે. પણ તેની અસરથી સુરેન્દ્રનગર જિલ્લાનો રણ વિસ્તાર પણ બાકાત નથી રહ્યો. 'તાઉ-તે'ના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના રણ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસતા અગરિયાઓએ પકવેલા મીઠાને ભારે નુકશાન થયું છે. રણમાં કાળી મજૂરી કરી પકવેલા મીઠાને નુકશાન થતા અગરિયાઓએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

સમગ્ર દેશના કુલ મીઠા ઉત્પાદનનું 70 % મીઠું એકમાત્ર ગુજરાતમાં પાકે છે. જેમાંનું 35% મીઠું તો સુરેન્દ્રનગર જીલ્લાને અડીને આવેલા કચ્છના નાના રણમાં પાકે છે. ખારાઘોડા અને ઝીંઝુવાડા રણમાં અત્યાર સુધીમાં અંદાજે 10 લાખ મેટ્રિક ટન મીઠું તો રણમાંથી ખેંચીને ખારાઘોડા ગંજે આવી પણ ગયું છે. જ્યારે હજી પણ રણમાં અંદાજે 3 થી 3.5 લાખ મેટ્રિક ટન મીઠું રણમાં છે.

એવામાં 'તાઉતે' વાવાઝોડાના પગલે ઝીંઝુવાડા રણમાં, ધ્રાંગધ્રાના કૂડા રણમાં અને ખારાઘોડા રણમાં મુશળધાર વરસાદ ખાબકતા રણમાં જવાનો રસ્તો ઠપ્પ બન્યો છે. જેમાં ઝીંઝુવાડા રણમાં 100થી વધુ મીઠાના પાટામાં વરસાદી પાણી ફરતા અગરિયા પરિવારોની રાત-દિવસની અથાગ મહેનત પર પાણી ફરી વળ્યું હતું. જેમાં અગરિયાઓને લાખો રૂપિયાનું નુકશાન થતાં મીઠું પકવતા અગરિયાઓ પાયમાલ બન્યા છે.

Latest Stories