/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/20142133/eCYAiNBH-e1621500807912.jpg)
તાઉતે વાવાઝોડાના પગલે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં ખેતીમાં ભારે નુકશાની આવતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. તો સાથે જ ધ્રાંગધ્રા તાલુકાના ગામોમાં પણ વાવાઝોડા સાથે વરસાદ પડતાં ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે.
અરબી સમુદ્રમાં આવેલા 'તાઉતે' વાવાઝોડાએ ગ્રામ્ય પથંકમાં ભારે નુકશાની પહોંચાડી છે. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં વાવાઝોડાના પગલે લીંબુના પાકમાં ભારે નુકશાન પહોંચ્યું છે. જ્યારે રામ રાજપર સહિત આસપાસના ગામોમાં વાવાઝોડાને પગલે મોટા પાયે નુકશાન થયું હોવાના સમાચાર મળતા સરકારી તંત્ર દોડતું થયું છે.
લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની સીમમાં આવેલા અનેક ખેતર તથા વાડીમાં વાવાઝોડાને પગલે અનેક વૃક્ષો ધરાશયી થયા હતા. જેમાં વાવાઝોડાના પગલે લીંબુના પાકમાં ભારે નુકશાન પહોચ્યું હતું. તો બીજી તરફ ધ્રાંગધ્રા તાલુકાના ગામોમાં પણ વાવાઝોડા સાથે વરસાદ પડતાં ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે. હાલ ખેડૂતોના ઉનાળું તલ હજુ ખેતરમાં ઉભા છે જેનો સોથ વળી જવા પામ્યો છે. તેની સાથે જ તમામ લીલો ઘાસચારો પણ જમીન દોસ્ત થઇ ગયો છે.
બાગાયતના ખેડૂતોને મોટું નુકશાન થવા પામ્યું છે. જેમાં સરગવાના છોડ, લીંબુ અને દાડમમાં મોટી નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે, જ્યારે કપાસના આગોતરા આયોજન માટે જે જમીન તૈયાર કરવામાં આવી હતી તે વરસાદ પડતાં ફરી વખત મોંઘા ભાવના ડીઝલ પુરાવી ટ્રેક્ટર મારફતે ખેડવાની નોબત આવી છે. હજું સુધી બજારમાં કપાસનું બિયારણ આવેલ નથી. ઉપરાંત ખાતરમાં ભાવ વધારો, પાક વિમો અને ત્રણ કૃષિ કાયદા સામે લડતો ધરતીપુત્ર વાવાઝોડાના કારણે પાયમાલ થઈ જવા પામ્યો છે.