સુરેન્દ્રનગર : વેપારી અને તેનો ભાઇ બન્યાં ખેડુત, જુઓ પછી કેવી રીતે કરી 40 લાખ રૂા.ની છેતરપિંડી

New Update
સુરેન્દ્રનગર : વેપારી અને તેનો ભાઇ બન્યાં ખેડુત, જુઓ પછી કેવી રીતે કરી 40 લાખ રૂા.ની છેતરપિંડી

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડુતોને 40 લાખ રૂપિયા ઉપરાંતનો ચુનો ચોપડી નાસતા ફરતાં બે આરોપીઓ પૈકી એકને પોલીસે ઝડપી પાડયો છે.

અમદાવાદ જીલ્લાના સાણંદ તાલુકાના ગોહિલપુરા ગામમાં રહેતો સિકંદર રાઠોડ અને તેનો ભાઇ ખેડુતો પાસેથી માલની ખરીદી કર્યા બાદ 40 લાખ રૂપિયા નહિ ચુકવી ફરાર થઇ ગયાં હતાં. બંને ભાઇઓ છેલ્લા પાંચ વર્ષથી વઢવાણ તાલુકાના બલદાણા, ગોમટા સહિતના આજુબાજુના ગામડાઓમાં આવી દર સીઝનમાં કપાસ અને એરંડાની ખરીદી કરતાં હતાં. તેમણે શરૂઆતના તબકકામાં નિયમિત નાણા ચુકવી ખેડુતોનો વિશ્વાસ કેળવ્યો હતો. ગત વર્ષે તેમને 20 જેટલા ખેડુતો પાસેથી કપાસ અને એરંડાની ખરીદી કરી હતી. પરંતુ ત્યાર બાદ બન્ને ભાઈઓએ ખેડુતોને ચુકવવાની રકમ રૂપિયા 40.80 લાખ ન ચુકવી અને એકાએક પોતાની ઓફીસ બંધ કરી ફરાર થઇ ગયાં હતાં. બનાવ સંદર્ભમાં વઢવાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

બંને આરોપીઓ સાણંદ નજીક ખેતરમાં છુપાયા હોવાની માહીતી પોલીસને મળી હતી. પોલીસે ખેતરમાં છાપો મારતાં બંને આરોપીઓ ભાગવા લાગ્યાં હતાં. જો કે પોલીસે એક કીલોમીટર સુધી પીછો કરી એક આરોપી નામે સિકંદરને ઝડપી પાડયો હતો જયારે તેનો ભાઇ ફરાર થઇ ગયો હતો. આરોપીની પુછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, ધંધામાં ખોટ જવાના કારણે છેતરપીંડી કરી છે. વ્યાજના ચક્કરમાં આવી જતા ખેડુતો પાસેથી ખરીદ કરેલ કપાસ અને એરંડા કડી માર્કેટિંગ યાર્ડમાં વેચી તેમાંથી મળેલા પૈસા વ્યાજવાળાને આપી દીધાં છે. 10 મહિનાથી ફરાર આરોપી પોલીસ સકંજામાં આવ્યો છે ત્યારે ખેડુતો તેમને પોતાના પૈસા પાછા મળે તેવી આશા રાખી રહયાં છે.

Latest Stories