સુરત જિલ્લા પંચાયતમાં કારોબારી અધ્યક્ષનું સરપ્રાઈઝ ચેકિંગ

બ્રિજેશ પટેલે ચાર્જ સાંભળતા જ બોલાવ્યો સપાટો

જિલ્લા પંચાયતમાં લેટલતીફ કર્મચારીઓને ફટકારી નોટિસ

જનતા પરેશાન, કર્મચારીઓ મનમરજીના માલિક?

કારોબારી અધ્યક્ષની આગામી દિવસોમાં કડક પગલાની ચીમકી

સુરત જિલ્લા પંચાયતના નવયુક્ત કારોબારી અધ્યક્ષ બ્રિજેશ પટેલે ચાર્જ સંભાળતાની સાથે જ પ્રથમ દિવસે આક્રમક વલણ અપનાવ્યું છે. સરકારી કચેરીઓમાં મનમરજીથી આવતા અને લેટલતીફી કરતા કર્મચારીઓ સામે અધ્યક્ષે લાલ આંખ કરી હતી.

સુરત જિલ્લા પંચાયત ખાતે લોકસેવાના કાર્યો થતા હોવા છતાં, અહીં કામ કરતા કર્મચારીઓ સમયસર સીટ પર હાજર ન રહેતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી  હતી.કર્મચારીઓની આ મનમાનીના કારણે દૂર-દૂરથી આવતા ગરીબ અરજદારો અને સામાન્ય જનતાને કલાકો સુધી હાલાકી ભોગવવી પડતી હતી. આ જનતાની ફરિયાદોને ગંભીરતાથી લઈને કારોબારી અધ્યક્ષ બ્રિજેશ પટેલે આજે સવારે બરાબર 10:30 કલાકે કચેરીમાં ખાસ સરપ્રાઈઝ ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી.

અધ્યક્ષના આ આયોજનબદ્ધ સરપ્રાઈઝ ચેકિંગમાં સમયસર કામ પર ન પહોંચેલા કર્મચારીઓ રંગેહાથ ઝડપાઈ ગયા હતા. જોકે, આજે કારોબારી અધ્યક્ષ તરીકે તેમનો પ્રથમ દિવસ હોવાથી તેમણે ઉદારતા દાખવીને મોડા આવતા કર્મચારીઓને સીધી સસ્પેન્ડ કરવાને બદલે કારણદર્શક નોટિસ ફટકારીને કડક ચેતવણી આપી છે. સરકારી નિયમોનું પાલન ન કરનારા આ કર્મચારીઓને શિસ્તના પાઠ ભણાવવા માટે લેવાયેલા આ પગલાથી લેટ આવતા બાબુઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.