વલસાડમાં મેઘરાજાની તોફાની બેટિંગ

જાહેર રસ્તા પર ભરાયા વરસાદી પાણી

મોગરાવાડીનો રસ્તા બન્યો જળમગ્ન

પાણી અને ખાડાનું સર્જાયું સામ્રાજ્ય

બિસ્માર રસ્તાના કારણે સ્થાનિકો ત્રાહિમામ

વલસાડમાં વરસી રહેલા ભારે વરસાદને પગલે સ્થાનિકોની મુશ્કેલી વધી ગઈ છે,જેમાં મોગરાવાડી શોપિંગ સેન્ટરથી ખોડિયાર હોટેલ તરફ જતા મુખ્ય માર્ગ પર વરસાદી પાણીએ જમાવટ કરતા લોકોએ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.

વલસાડ જિલ્લામાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે હવે સ્થાનિકોની મુશ્કેલીઓમાં ધરખમ વધારો થયો છે. વલસાડના મોગરાવાડી શોપિંગ સેન્ટરથી ખોડિયાર હોટેલ તરફ જતો મુખ્ય માર્ગ અત્યારે જાણે કોઈ નાનું તળાવ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. માર્ગ ઉપર ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેને કારણે આખો રસ્તો અત્યંત બિસ્માર બની ચૂક્યો છે.

રસ્તા પર ક્યાં ખાડો છે અને ક્યાં પાણી, તે ઓળખવું પણ વાહનચાલકો માટે મુશ્કેલ બન્યું છે. આ બિસ્માર રસ્તા અને જળબંબાકારની સ્થિતિના કારણે રોજિંદી અવરજવર કરતા સ્થાનિક લોકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નાના વાહનચાલકો અવારનવાર અહીં સ્લિપ થઈ રહ્યા છે, જેના કારણે અકસ્માતનો ભય પણ સતત તોળાઈ રહ્યો છે.