અંકલેશ્વરની પાનોલી GIDCમાં આવેલી જે.બી. કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ કંપનીમાં 45 વર્ષીય કર્મચારીનું શંકાસ્પદ મોત થતાં ચકચાર મચી છે.

મૂળ બોડેલીના અને હાલ સંજાલી ખાતે રહેતા પ્રવીણભાઈ તડવી કંપનીમાં ફરજ પર ગયા હતા. દરમિયાન કંપનીમાં જ તેમની તબિયત અચાનક લથડતા કંપનીની એમ્બ્યુલન્સ મારફતે તેમને ઘરે મોકલવામાં આવ્યા હતા.જોકે, ઘરે પહોંચ્યા બાદ પ્રવીણભાઈની તબિયત વધુ લથડતા તેમને ફરી કંપનીની એમ્બ્યુલન્સ મારફતે CHC સેન્ટર ખાતે સારવાર માટે લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.

પ્રવીણભાઈ તડવીના અચાનક થયેલા મોતને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. હાલ તેમના મોતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે અને મોતનું કારણ જાણવા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.