ભારતના ચંદ્રયાન 3 એ બુધવારે ચંદ્રના દક્ષિણધ્રુવ પર સફળતાપૂર્વક લેંડિંગ કર્યું હતું, આ સાથે જ ઈન્ડિયાએ ઇતિહાસ રચ્યો હતો અને સૌથી પહેલો ચંદ્ર પર પહોચનારો દેશ બન્યો હતો. ચાંદ પર વિજય મેળવ્યા બાદ હવે ઇસરોની નજર સૂર્ય પર છે. આઇએસઆરઓનું આગામી મિશન આદિત્ય એલ 1 છે જેમાં સૂર્યનો અભ્યાસ કરવામાં આવશે. સૂર્યનો અભ્યાસ કરતું આ પહેલું ભારતીય મિશન હશે. આ મિશનમાં અવકાશયાનને પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિમી દૂર લેગ્રેન્જ પોઈન્ટ-1 (L-1) ની આસપાસ હોલો ઓર્બિટમાં મૂકવામાં આવશે. L-1 બિંદુ એવી જગ્યા છે જ્યાં ગ્રહણની કોઈ અસર થતી નથી અને અહીંથી આપણે સૂર્યને સતત જોઈ શકીએ છીએ.
આનાથી સૌર પ્રવૃત્તિઓનું અવલોકન કરવાનો અને વાસ્તવિક સમયમાં અવકાશના હવામાન પર તેની અસરનો વધુ ફાયદો મળશે. અવકાશયાન સૂર્યના વિવિધ સ્તરોનું અવલોકન કરવા માટે સાત પેલોડ વહન કરશે. આ મિશન દ્વારા સૂર્યની ગતિવિધિઓને સમજવામાં સરળતા રહેશે. મિશન આદિત્ય એલ-1 સપ્ટેમ્બર 2023માં લોન્ચ થવાની સંભાવના છે.